Jai Hind

આજથી ભવનાથમાં ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જગ વિખ્યાત મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં પવિત્ર સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ કરાશે : પ્રથમવાર ભવ્ય ‘ડમરૂ યાત્રા’નું આયોજન: સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ, સંતો અને ખાસ કરીને નાગા સાધુઓ મોટી સંખ્યામાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પહોંચ્યા

મેળામાં આવતા લાખો ભાવિકોને ભોજન, પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા માટે 350 થી વધુ ઉતારા મંડળો સેવારત: મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે

છેલ્લા એક વર્ષથી ભાવિક ભક્તજનો અને મેળાના રસિયાઓ જે મેળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જગવિખ્યાત જૂનાગઢના ભવનાથનો પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો આજ તા. 11 ના રોજ સવારના 9:30 કલાકે પરંપરા મુજબ ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ બાદ વિધિવત પ્રારંભ થશે. આ માટે તંત્ર દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આજે તા. 11ના સવારના 9:30 વાગ્યાથી જુનાગઢના ભવનાથનો ભજન, ભક્તિ અને ભોજન સભર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ મેળાના આકર્ષણ સમા સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ, સંતો અને ખાસ કરીને નાગા સાધુઓ મોટી સંખ્યામાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પહોંચ્યા છે. અને તપ, ધ્યાન કરવા ધુણા ધખાવી તેમજ ખાસ કરીને મેળામાં પધારતા ભાવિકોને આશીર્વાદ આપવા પરંપરા મુજબ આવતીકાલે ધજારોહણ બાદ ધુણા પ્રજ્વલિત કરી ભાવિક ભક્તજનોને દર્શન આપવા ઉત્સુક બન્યા છે.
ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ અખાડાઓના સાધુ, સંતો પણ મોટી સંખ્યામાં ભારત ભર માંથી પોતાના અખાડામાં પહોંચ્યા છે, અને આજે સવારે દરેક અખાડામાં ધ્વજારોપણ કરવામાં આવશે અને ત્યારબાદ ધુણા પ્રજવલિત કરાશે.
તો બીજી બાજુ ભવનાથના મેળામાં આવતા લાખો ભાવિકોને ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા કરતા 350 થી વધુ ઉતારા મંડળો છેલ્લા કેટલાય દિવસથી ભવનાથમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સાથે પહોંચી ગયા છે. અને આજથી હરિહરનો નાદ શરૂ થશે. પાંચ દિવસ સુધી દેશ-વિદેશમાંથી આવતાં ભાવિકોને મીઠાઈ સહિતના ભાત ભાતના વ્યંજનો અને ચા નાસ્તા તથા શરબત આપી તૃપ્ત કરાશે. તે સાથે ભાવિકોને રાત્રિના સમયે આરામ માટે ઉતારાની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર રીતે આ વર્ષે વિવિધ ઉતારાઓમાં કરવામાં આવી છે.
ભવનાથનો શિવરાત્રી મેળો ભજન માટે જગવિખ્યાત છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ નાના મોટા આશ્રમો અને મંદિરો તથા ઉતારાઓમાં ઉગતા કલાકારોથી લઈને પ્રસિદ્ધ કલાકારો ભજનની રંગત જમાવશે અને ભજન પ્રિય લોકો આખી રાત ભજનની મોજ માણસે.
સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ’અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.
આવી જ રીતે આ વખતના શિવરાત્રી મેળામાં પણ હજારોની સંખ્યામાં નાના વેપાર ધંધા કરતા પાથરણા વાળા સહિતના વેપારીઓ જુનાગઢ ખાતે પહોંચ્યા છે. જો કે, ભાવિકોની સુવિધા અને સગવડતા ખાતર આ વખતે મેળા ક્ષેત્રમાં પાથરણા વાળાને ધંધાની છૂટ આપવામાં નહીં આવે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે અનેક નાના વેપારીઓ નારાજ છે છતાં પણ મેળાનો ધંધો કરી લેવા માટે મેળાના રૂટ ઉપર પાથરણા પાથરી વેપાર કરી લેવાના મૂડમાં છે.
જો તંત્રની વાત કરીએ તો, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ વખતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથનો શિવરાત્રી મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે સરકારી તમામ વિભાગો છેલ્લા દોઢ મહિનાથી આ મેળો સુચારુ રીતે અને સુ વ્યવસ્થિત રીતે યોજાય તે માટે તૈયારીઓ ચાલુ રહી હતી. અને મીટીંગોનો ધમધમાટ તથા મંત્રીઓ અને જૂનાગઢના કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓના રૂટ નિરીક્ષણ થયા હતા. જેના કારણે આ વખતે મેળાની ફરજમાં રોકાયેલા કર્મીઓની “હોતી હે ચલતી હૈ નીતિ” ના બદલે મેળામાં પધારતા ભાવિકો માટેની સગવડતા સુ વ્યવસ્થિત ચાલશે તેવુ મનાઈ રહ્યું છે.
ભાવિકોના રાત્રી રોકાણ માટે વિશાળ જર્મન ડોમ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2,000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 24*7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ભાવિકો માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે
મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ5રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા 25 અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે. પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર5 જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક 5રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે. આ સાથે પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં 140 પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે 10 બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે 28 મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ 118 હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં 6 મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને 24ડ્ઢ7 હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

જૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર રોશનીના અદ્ભુત શણગારથી ઝગમગી ઊઠ્યું
મેળાની રોશની આકર્ષણનુ કેન્દ્ર બની સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી લાખોની સંખ્યામાં લાઈક મેળવી રહ્યા છે
જૂનાગઢની ભવનાથ તળેટી રંગબેરંગી રોશનીથી અદભુત રીતે ઝગમગી ઊઠી છે, શિવરાત્રી મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં કરવામાં આવેલ રોશનીના કારણે ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ અને આધ્યાત્મિક તેજ ઉભરાઈ રહ્યું છે. આજે તા. 11 થી જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ સમા શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ વખતે વિશેષ આયોજન મેળાને લઈને કરવામાં આવ્યું છે, ગિરનાર દરવાજાથી લઈને છેક ભવનાથ સુધી અને ભવનાથ મંદિરમાં અત્ર, તત્ર, સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ભગવાન ભોળેનાથના દિવ્ય ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર ભવનાથ વિસ્તારને રોશનીના અદભુત શણગાર કરવામાં આવ્યા છે. દર વર્ષે કરતા આ વર્ષે થોડી વધુ રોશની કરી ભવનાથ ક્ષેત્રના વાતાવરણમાં નવો તેજ પાથરવામાં આવ્યો છે, અને ખાસ કરીને વિશેષ રીતે તૈયાર કરાયેલા ત્રિશુલ અને ડમરું લાઇટ વાળા હોલ્ડિંગ અને ભવ્ય પ્રવેશ દ્વારા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ભવનાથ મંદિરની ટોચ સુધી પણ અદભુત રોશની ગોઠવવામાં આવી છે. આ સાથે પરિસરમાં પણ રોશનીનો ઝગમગાટ નયન રમ્ય બની રહ્યો છે, ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવી છે. મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવ્યા છે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને 6 મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરાયા છે.
આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે. મહાશિવરાત્રી મેળાના પૂર્વે બે દિવસ અગાઉ શરૂ કરી દેવામાં આવેલ રોશની જુનાગઢ વાસીઓ અને ભાવિકો માટે અત્યારથી જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેળાના રસ્તામાં 06 – સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. અને સોશિયલ મીડિયા ઉપર ભવનાથ ક્ષેત્રની રોશની ધૂમ મચાવી લાખોની સંખ્યામાં લાઈક મેળવી રહ્યા છે.