ગુજરાતના રાજકારણમાં નવા બીજા વિકલ્પ તરીકે ઉભરવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી (આપ)માં આગામી પાલિકા-પંચાયતોની ચૂંટણી પૂર્વે જ મોટું ભંગાણ સર્જાયું છે. પાર્ટીના સીનીયર પ્રદેશ નેતા રાજુ કરપડાએ એકાએક રાજીનામુ આપી દેતા રાજકીય ખળભળાટ સર્જાયો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જાણીતા નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. એવું કહેવાય છે કે કડદા પ્રથાને લઈને હડદડમાં આંદોલન કરવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમાં બોટાદમાં પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની હતી.
જોકે તેમણે રાજીનામું સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેઓ જેલમાંથી મુક્ત થયાના માત્ર એક જ અઠવાડિયામાં આ નિર્ણય લીધો છે.’
રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે જય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.
મારા દ્વારા ક્યારેય કોઈ ની લાગણી ને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો નો મને પ્રેમ આપવા બદલ હૃદય થી આભાર માનું છું…!
તેમણે પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ સહિત સાથી ખેડૂતોનો આભાર માની ક્ષમા પણ માંગી છે. એક સક્રિય ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડાના આ અચાનક રાજીનામાથી આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.