શિક્ષણ વિભાગના પરિપત્રનો બહિષ્કાર : પરિપત્ર રદ કરવા નિયામકને સંઘની રજૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષા પૂર્વે શિક્ષકોને કુતરાઓ (શ્ર્વાનો)ની વસ્તી ગણતરી (સર્વે) કરવાનો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરી આદેશ કરાતા તેના રાજયભરના શિક્ષક સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રનો બહિષ્કાર કરી આ મામલે રાજય આચાર્ય સંઘ દ્વારા શાળાઓની કચેરીના નિયામકને પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ પ્રકરણમાં રાજય આચાર્ય સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદેદારો સર્વશ્રી ભાનુભાઈ પટેલ, ભરતભાઈ ચૌધરી, વિમલભાઈ મકવાણા અને પરેશભાઈ પટેલે જણાવ્યું છે કે રાજયના શિક્ષકો પાસેથી ચૂંટણી, આધારકાર્ડ, સ્વચ્છતા અભિયાન સહિતની વિવિધ 50 પ્રકારની કામગીરી હાલ લેવામાં આવી રહી છે.
જેમાં હવે રાજયની શૈક્ષણિક સંસ્થાના કેમ્પસ, કચેરીઓ અને સંસ્થાઓમાં રહેલા કુતરાઓ (શ્ર્વાનો)ની સર્વે કામગીરી તાત્કાલીક કરવા માટે રાજયના તમામ શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી આદેશ કરવામાં આવેલ છે. પરંતુ આ પ્રકારની કામગીરી કરાવવી એ કેટલા અંશે વ્યાજબી છે? તેવો પ્રશ્ર્ન ઉઠાવી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના આ પરિપત્રથી શિક્ષક સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.
આ પરિપત્રનો રાજય આચાર્ય સંઘ દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ છે. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે હોસ્પીટલ, રેલ્વે સ્ટેશન કે અન્ય સંસ્થામાં જઈ આ પ્રકારની કામગીરી શિક્ષકો દ્વારા બીલકુલ કરવામાં આવશે નહીં.