ઇ-મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં: વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી નિશાન પર હોવાની ધમકી: હિન્દુસ્તાનના ટુકડા કરવાનો ઉલ્લેખ
ગુજરાતમાં શાળાઓથી લઇ અદાલતોમાં અને સરકારી કચેરીઓમાં બોમ્બની ધમકીના ચાલુ રહેલા સીલસીલામાં આજે અમદાવાદ અને વડોદરાની 32 શાળાઓને બોમ્બની ધમકી આવતા ફરી એક વખત પોલીસએ દોડી જઇને આ શાળાઓમાં તપાસ શરૂ કરી છે. આવતીકાલથી કેન્દ્રીય બોર્ડની અને બાદમાં ગુજરાત બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ શરુ થઇ રહી છે અને તે સમયે જ આ પ્રકારની ધમકી મળતા વિદ્યાર્થીઓ-વાલીઓ તથા શાળા સંચાલકોમાં ભય સર્જાયો છે. પરીક્ષા સમયે જો આ ધમકી મળે તો પરીક્ષા રદ કરવી પડે તેવી પણ સ્થિતિ બની શકે છે. આજે ધમકી મળતા વિદ્યાર્થીઓને સલામત કરવાની પણ કવાયત શરુ કરવામાં આવી છે. અગાઉની જેમ જ ગુજરાત બનેગા ખાલિસ્તાન… તેવા સુત્રો સાથે બપોરે 1.11 કલાકે બોમ્બ વિસ્ફોટ થશે તેવી ધમકી આપવામાં આવી છે. ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તેમના ટાર્ગેટ ઉપર હોવાનું જણાવાયું છે. અને તેમને ખાલિસ્તાન અને શિખોના દુશ્મન તરીકે ગણાવાયા છે. આ ઉપરાંત પંજાબની આઝાદી અને હિન્દુસ્તાન તેરે ટુકડે ટુકડે… તેવા પણ સુત્રો આ ધમકી ભર્યા મેઇલમાં લખાયા હતા. આજે સરકારી શાળાઓના પ્રારંભ જ સંચાલકોને સવારે તેમના ઇમેઇલ આઇડી પર 7.04 મીનીટે આ મોકલાયેલા મેઇલ મળ્યો હતો. જેમાં વડોદરાની 6 સ્કુલો અને અમદાવાદની ચાર સ્કુલો સહિત કુલ 1ર સ્કુલોને આ પ્રકારે ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કુલ કેમ્પસમાં રહેલી હોસ્ટેલોને પણ ખાલી કરાવાઇ છે. અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. જો કે અગાઉ પણ આ પ્રકારે મળેલી ધમકીઓ પોકળ પુરવાર થઇ હતી.