Jai Hind

ભૂજના ધ્રાંગ નજીક બે બાઇક અથડાતા મેળામાં જતા પિતા-પુત્ર સહિત ત્રણના મોત

અન્ય એક યુવાન ગંભીર થતાં સારવારમાં ખસેડાયો : પરિવારમાં અરેરાટી

તાલુકાના રંગ-લોડાઈ રોડ પર ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે વડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા- પુત્ર સહિત 3ના ઘટનાસ્થળે મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. મહાશિવરાત્રી નિમિત્તે સ્પ્રંગ ખાતે મેળો યોજવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મેળાની મોજ માણીને પરત ફરી રહેલા અને મેળા તરફ જઈ રહેલા બે મોટરસાયકલ ચાલકો વચ્ચે અંધારામાં સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બાઇકોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. હતા. આ દુર્ઘટનામાં ખેંગારપરના 23 વર્ષીય હરિશ કરશન કોલી અને તેમનના 2 વર્ષના માસુમ બાળક ઈશ્વર હરેશ કોલીનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બીજી બાઈક પર સવાર નાડાપા વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ પંચમહાલના 25 વર્ષીય ગોવિદભાઈ કાળુભાઈ ડામોરેનું પણ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજયું હતું. અકસ્માતમાં એક યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકો અને મેળામાં જઈ રહેલા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. મોડી રાત્રે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મૃતકોના સગા-સંબધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.