Jai Hind

UGCના નિયમો બિન શૈક્ષણિક કેડરના કર્મચારીને લાગુ પડતા નથી

લાઈબ્રેરીના સ્ટાફને છુટા કરવાના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એક મહિલા આસિસ્ટન્ટ લાઈબ્રેરિયનને નોકરીમાંથી મુક્ત કરવાના આદેશને ફગાવી દીધો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઞૠઈ) ના નિયમો બિન-શૈક્ષણિક કેડરના કર્મચારીઓને લાગુ પડતા નથી અને લાંબા સમયની સેવા બાદ કર્મચારીને છૂટા કરવા તે ગેરકાયદેસર છે.
જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બન્ને સભ્યોની ખંડપીઠે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દાખલ કરવામાં આવેલી ’લેટર્સ પેટન્ટ અપીલ’ (કઙઅ) પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. આ કેસની વિગત મુજબ, રક્ષાબેન નામની મહિલા કર્મચારીને 1983માં લાઈબ્રેરી આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1989માં તેમની પસંદગી આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન તરીકે થઈ હતી. વર્ષ 2015માં એક ઓડિટ વાંધા દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે ગઊઝ/જકઊઝ જેવી જરૂરી લાયકાત નથી, જેના આધારે 2017માં તેમને નોકરીમાંથી મુક્ત કરી રૂ.75 લાખથી વધુની રિકવરીનો આદેશ અપાયો હતો.
હાઈકોર્ટે સૌથી મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, અરજદારે લગભગ 17 થી 18 વર્ષ સુધી સંસ્થામાં સેવા આપી છે. નિમણૂક સમયે જે લાયકાતો માંગવામાં આવી હતી તે અરજદારે પૂર્ણ કરી હતી. આટલા લાંબા સમય બાદ ઓડિટ વાંધાના નામે સેવામાંથી છૂટા કરવા તે કોઈ પણ રીતે વ્યાજબી ઠેરવી શકાય નહીં.
વિદ્યાપીઠ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં ઞૠઈને પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દેતા નોંધ્યું કે આવી રજૂઆત સિંગલ જજ સમક્ષ ક્યારેય કરવામાં આવી નહોતી. અંતે, ડિવિઝન બેન્ચે સિંગલ જજના તે આદેશને બહાલ રાખ્યો હતો જેમાં કર્મચારીને પુન:સ્થાપિત કરવા અને તેમને પૂરતો પગાર તથા નિવૃત્તિના લાભો ચૂકવવાનો નિર્દેશ અપાયો હતો. આ ચુકાદાથી શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષોથી કાર્યરત બિન-શૈક્ષણિક કર્મચારીઓને મોટી રાહત મળી છે.