Jai Hind

અરબી સમુદ્રમાં 203 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે ઇરાની શખ્સો ઝડપાયા

બે ઇરાની શખ્સોને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મધદરિયેથી દબોચ્યા: નાની સ્પીડ બોટનો ઉપયોગ કરીને ઘુસાડવામાં આવતું હતું ડ્રગ્સ: ઇરાનથી પંજાબ ડીલેવરી આપવાની હોવાની કરી કબુલાત: સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઈન્વેસ્ટીગેશન થયું શરૂ

અરબી સમુદ્રમાંથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમે 203 કિલોથી વધુ ડ્રગ્સ સાથે બે ઇરાની ઇસમોને ઇરાનની સ્પીડ બોટમાંથી પકડી પાડયા છે અને તેઓને પોરબંદર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઈન્વેસ્ટીગેશન શરૂ થયું છે.
ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ દિવસે -દિવસે વધતી જાય છે. ત્યારે ગુજરાત એ.ટી.એસ.ની ટીમ કોઇપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડીને દરિયાની અંદરથી ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઘુસે નહી તે માટે સતર્ક છે. ત્યારે એ.ટી.એસ.ને એવી ચોકકસ માહિતી મળી હતી કે પોરબંદરથી 140 નોટીકલ માઇલ દુર સમુદ્રમાંથી એક બોટ પસાર થવાની છે જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યુ છે તેથી એ.ટી.એસ.ની ટીમે દરિયાની અંદર જ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યુ હતુ અને શંકાસ્પદ જણાતી સ્પીડ બોટને અટકાવીને તેમાંથી તપાસ હાથ ધરતા ઇરાનના બે નાગરિકો મળી આવ્યા હતા અને 203 કિ.ગ્રાથી વધુ માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાથી એ.ટી.એસ.ના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રગ્સનો જથ્થો કયાંથી ઘુસાડવામાં આવી રહ્યો છે તે અંગેની વિગતો બહાર લાવવા માટે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વર્ષ 2025 દરમ્યાન જ ગુજરાતમાંથી 2240 કરોડનું સીન્થેટીક ડ્રગ્સ પકડાયુ છે અને ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડીને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હોય છે ત્યારે ચોકકસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઇ હતી અને તે અનુસંધાને આઇ.એમ.બી.એલ. નજીક જઇને શંકાસ્પદ જણાતી સ્પીડ બોટને અટકાવવામાં આવી હતી ત્યારબાદ એ બોટની તલાસી લેતા તેમાંથી વિપુલ માત્રામાં ડ્રગ્સ કબ્જે થયુ હતુ. અને તેની અંદાજીત ગણતરી કરવામાં આવતા 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો હોવાનું જાણવા મળ્યુ છે તેથી તે અંગેની વિધિવત માહિતી એ.ટી.એસ. દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવી હતી અને પકડાયેલા ઇસમોને પોરબંદર ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી સહિત વિધિવત ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા ઈરાની ઈસમોની પોરબંદર ખાતે પૂછપરછ
એ.ટી.એસ.ની ટીમે પકડેલા બે ઈરાની ઈસમો અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સતાર કાદર બક્ષની પોરબંદર ખાતે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓએ એવી પ્રાથમિક કબુલાત આપી છે કે ઈરાન ખાતેથી તેઓ ડ્રગ્ઝનો જથ્થો લઈને નીકળ્યા હતા અને પંજાબ ખાતે પહોંચાડવાનો હતો પરંતુ દરિયામાં જ એ.ટી.એસ. દ્વારા સફળ ઓપરેશન કરીને મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
ડ્રગ્ઝ પેડલરોએ કર્યો સ્પીડ બોટનો ઉપયોગ
એ.ટી.એસ.ની ટીમે માહિતી આપતા જણાવ્યું હતું કે ઈરાનના આ બે ડ્રગ્ઝ પેડલરો એ સ્પીડ બોટનો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે ડ્રગ્ઝ ઘુસાડવા માટે માછીમારી બોટ નો ઉપયોગ થતો હોય તેવું જોવા મળ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષમાં બીજી વખત સ્પીડ બોટનો ઉપયોગ થયો છે. આ પ્રકારની બોટનો ઉપયોગ કરવા પાછળનો હેતુ એ છે કે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ પીછો કરે તો ભાગવામાં સરળતા રહે તેવા હેતુ સાથે આ પ્રકારની બોટનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે.
નેશનલ મીડિયાએ ફરી પોરબંદરને કર્યુ બદનામ!
અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે તેમાં પોરબંદરથી ખાસ્સા એવા અંતરે આઇ.એમ.બી.એલ.નજીકથી જથ્થો પકડાયો હોવા છતાં નેશનલ મિડીયાએ પોરબંદરને બદનામ કરીને પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ મળી આવ્યુ હોવાનો વારંવાર જાહેર કરવામાં આવતુ હતુ. હકીકતે પોરબંદરથી ખૂબજ દૂર દરિયામાં આ જથ્થો પકડાયો હોવા છતાં પોરબંદરને જ વારંવાર ટાર્ગેટ બનાવીને બ્રેકીંગ ન્યૂઝ દ્વારા બદનામ કરવામાં આવ્યુ હતુ જેથી પોરબંદરની છબી વધુ બગડતી હોવાનું જણાયુ હતુ.
મોબાઈલ ફોન કબજે થતા રહસ્ય ખુલશે
પકડાયેલા બે ઈરાની ડ્રગ્ઝ પેડલરો પાસેથી એક મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે આથી તેમાં કેટલાક ડેટા એ.ટી.એસ. દ્વારા મેળવી લેવામાં આવ્યો છે અને તેના દ્વારા ઘણી બધી નવી વિગતો આગામી દિવસોમાં જાહેર થાય તેવું જણાઈ રહ્યું છે. એ.ટી.એસ.ના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને અડીને આવેલ વિસ્તારમાંથી આ ડ્રગ્ઝ મોકલવામાં આવ્યું છે અને બોટમાંથી ખાવા પીવાનો થોડા દિવસોનો સામાન પણ મળી આવ્યો છે તેથી ટૂંકા સમયગાળા માટે આ ડીલેવરી કરવાની હોવાનું જાણવા મળ્યું છે સ્પીડ બોટને કારણે તાત્કાલિક મુદામાલ નિયત જગ્યાએ પહોંચાડીને વહેલી તકે ઈરાન પહોંચી જવાના મલીન ઇરાદા ઉપર એ.ટી.એસ. એ પાણી ફેરવી નાખ્યું છે.
ખૂબ વધારે પડતું ડેરિંગ કહેવાય: અધિકારી
એ.ટી.એસ.ના અધિકારીઓ એ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એવી માહિતી આપી હતી કે ઈરાનના આ બે ડ્રગ્ઝ પેડલરોએ વધુ પડતા ડેરીંગ સાથે આ કામ કર્યું છે કારણ કે આવી રીતે સ્પીડ બોટમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્ઝ લઈને ઘુસાડવું એ ખૂબ મોટું જોખમ કહેવાય. તેથી પકડાયેલા ઈસમોની હિસ્ટ્રી ની તપાસ કરવામાં આવશે અને અગાઉ તેઓ આ પ્રકારના કોઈ કૃત્યમાં સંડોવાયેલા છે કે કેમ તેની વિગતો બહાર લાવવામાં આવશે.
પોરબંદરના દરિયામાં ‘ડે એટ સી’ ના કાર્યક્રમ બાદ તુરંત જ ઘૂસણખોરી!
પોરબંદરના સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ દ્વારા ‘ડે એટ સી’ નો કાર્યક્રમ શનિવારે યોજવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ મજબૂત હોવાનો દાવો કરતી હતી અને લડાયક યુદ્ધ જહાજો દ્વારા નિદર્શન કરતી હતી એ પૂર્ણાહુતિ થઈ તે પછી તુરંત જ દરિયામાં ડ્રગ્ઝ પેડલરોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે અને જાણે કે સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતા હોય તેવું સામે આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.