Jai Hind

વિદ્યાર્થીના ડિજિટલ જ્ઞાને મુશીબત ઉભી કરી! પોલીસને ધંધે લગાડતો છાત્ર! પરીક્ષા રોકવા શાળાને બોમ્બની ધમકીનો ઇ-મેલ મોકલ્યો


વડોદરાની ઘટના: ધો.5ના વિદ્યાર્થીએ માતાની આઇડીનો ઉપયોગ કર્યો: બાદમાં ગભરાઇને ચેટ-જીપીટીને પુછી લીધું- મને શું સજા થઇ શકે?

ગુજરાતમાં શાળાઓમાં પરિક્ષા સમયે જ બોમ્બની મળી રહેલી ધમકીમાંથી તંત્ર પરેશાન છે અને આ ધમકીઓ પોકળ પુરવાર થઈ રહી છે છતાં પણ તેને હળવાશથી લઈ શકાય નહી તેથી દર સમયે શાળાઓ ખાલી કરાવવી પડે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. આ ધમકી આપનારાઓમાં કટ્ટરવાદીઓ હોવાની મોટી આશંકા છે જે વહીવટીતંત્રને પરેશાન કરવા માટે જ આ પોકળ ધમકી આપે છે પણ હાલમાં જ વડોદરામાં સોમ-મંગળવારે મળેલી ધમકીમાં ઈ-મેલનું પગેરુ મેળવતા પોલીસ ચોંકી ગઈ હતી. પ્રથમ વખત એ બહાર આવ્યું કે આ પ્રકારનો મેલ મોકલવામાં વડોદરાનો જ એક હોશિયાર વિદ્યાર્થી હતો.
11 વર્ષના ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેનીજ કારેલીબાગની બ્રાઈટ સ્કુલના મેલ એડ્રેસ પર આ ધમકી આપી હતી. તેણે આ મેલ મોકલવા માટે તેના જ માતાના આઈપી એડ્રેસનો ઉપયોગ કર્યો હતો અને એક વખત મેલ તો મોકલી દીધો પછી તે ગભરાયો તેથી ચેટ-જીપીટીને પુછયું કે આ પ્રકારની ધમકી માટે તેને કેવી કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડશે! તે પરીક્ષા મુલત્વી રહે તે ઈચ્છતો હતો અને હવે પોલીસે તેના માતા-પિતાના નિવેદન નોંધાવી છે.
હવે બીજી શાળાઓને મોકલેલા મેઈલ અંગે પણ તપાસ થઈ રહી છે. વડોદરાના પોલીસ કમિશ્ર્નર નરસિમ્હા કોમરના જણાવ્યા મુખ્ય શાળાને સાંજે 5.30 વાગ્યે આ મેલ મળ્યો હતો જેમાં શાળા ઈમારતમાં બોમ્બ મુકાયો છે. પોલીસે બોમ્બ ડોગ સ્કવોડ સાથે તપાસ હાથ ધરી કશું મળતુ ન હતુ પણ સાયબર સિકયોરિટી નિષ્ણાંતોએ પછી મેલનું પગેરુ મેળવવા કોશીશ કરી અને તેઓ આ આસાન રીતે મેલ કોણે મોકલ્યો છે તે શોધી શકાય તેવું માનતા પણ ન હતા.
કારણ કે મોટા ભાઈના આ પ્રકારના ધમકી ભર્યા મેલ- ડાર્ક વેબ- સર્વરોની એક માયાજાળ રચીને કદી પગેરુ પકડાય જ નહી તે રીતે મોકલાતા હોય છે પણ આ શાળાને મળેલા મેલનું પગેરુ વડોદરામાં જ એક મહિલાના આઈપીનું મળ્યું અને પછી તપાસ કરતા આ મેલ તેના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા પુત્રએ જ મોકલ્યો હતો તે પરીક્ષા મોકુફ રહે તે ઈચ્છતો હતો અને તેના માતાના આઈડીનો ઉપયોગ કર્યો તે ખુદ પણ બાદમાં ગભરાઈ ગયો હતો.