બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આગામી સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં રહી હતી. વાડિયા ગામના ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ સાથે ફિલ્મને જોડીને જોવામાં આવતા ગ્રામજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગામની જૂની ઓળખ અને ભૂતકાળની બદનામીને ફરી જીવંત કરવાના પ્રયાસ તરીકે ફિલ્મ જોવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સંગઠિત થઈને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
વાવ-થરાદ વિસ્તારમાં આવેલું વાડિયા ગામ અગાઉ સામાજિક બદીઓ માટે ઓળખાતું હોવાની બદનામી ભોગવી ચૂક્યું છે. જોકે છેલ્લા ઘણા વર્ષોમાં ગામે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હાલ ગામમાં 500થી વધુ પરિવારો વસે છે અને મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલન જેવા સન્માનજનક વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે જ બાળકો અને યુવાનો ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે ફિલ્મમાં ભૂતકાળને ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો તેની નકારાત્મક અસર યુવા પેઢીના માનસ પર પડી શકે છે. આ સમગ્ર મુદ્દા પર હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ફિલ્મના દિગ્દર્શક ભાવિન ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા જાહેરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિલ્મનો કોઈ પણ વાસ્તવિક ગામ, વ્યક્તિ કે સમાજ સાથે સીધો સંબંધ નથી. જે નામ અને સંદર્ભને લઈને વિવાદ ઊભો થયો હતો, તે તમામ મુદ્દાઓ ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે. ગામના નામ અથવા ઓળખને નુકસાન પહોંચાડવાનો કોઈ હેતુ ફિલ્મનો ક્યારેય રહ્યો નથી, તેમ તેમણે જણાવ્યું. આ ફિલ્મનું શૂટિંગ ઈડરમાં કરવામાં આવ્યું છે. જેમાં માત્ર મહિલાઓને સશકત બનાવવા અંગે વાત કરવામા આવી છે 13 દિવસ શૂટિંગ ચાલ્યું અને આગામી 27 ફેબ્રુઆરીના ગુજરાત અને મુંબઈમાં ફિલ્મ રિલીઝ થશે. બે ગીતો છે.ખાસ વાતએ છે કે ઓરિજિનલ સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મમાં મોના ઢીબા કનોડીયા, દિનેશ લાંબા,શ્રી કાકડે, ચેતન દૈયા, મોરલી પટેલ વગેરે કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. આ પત્રકાર પરીષદમાં રાજુભાઇ બગડાઇ ઉપસ્થિત રહયા હતા.