ગુજરાતમાં આગામી મહિનાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે તે પહેલા ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય અધિકારી તરીકે આઇએએસ ઓફિસર હારિત શુક્લાના સ્થાને 2007 બેચના આઇએએસ ઓફિસર સંદિપ સુગલેની નિયુક્તિ કરી છે. સુગલે હાલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ છે અને તેઓ હવે પોતાના નવા પદનો કાર્યભાર સંભાળી લેશે. ગુજરાતમાં ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ગહન પુન: નિરીક્ષણની કામગીરી જે રીતે સફળતાપૂર્વક પાર પાડી તે પછી આ નવી નિયુક્તિ કરી છે. શ્રી હારિત શુક્લાએ આ કામગીરી સંભાળી હતી ચૂંટણીપંચે રાજ્ય સરકાર સાથે સંતલત કરીને આ નિર્ણય લીધો છે અને રાજ્ય સરકારને નવનિયુક્ત ચૂંટણી અધિકારી સુગલેને અન્ય તમામ જવાબદારીમાંથી તાત્કાલીક મુક્ત કરવા જણાવાયું છે. હવે રાજ્ય સરકાર દ્વારા હારિત શુક્લાને નવી નિયુક્તિ અપાશે. રાજ્યમાં આગામી મહિને જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થનાર છે અને તે પૂર્વે આ ફેરફાર મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. શ્રી શુક્લાને 2024માં જુન માસમાં આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે રાજ્યના નવા ચૂંટણી કમિશ્ર્નર મળ્યા છે.