Jai Hind

ધૂળેટીના પર્વની ઉજવણી બાદ તળાવ નદીમાં ન્હાવા પડેલા 31 લોકોના મોત

મહીસાગર, અમરેલી,વડોદરા, સુરત, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં સર્જાયેલી કરુણાંતિકા રંગોનો તહેવાર કેટલાક પરિવાર માટે કાળમુખો સાબિત થયો : સ્વજનોમાં શોક છવાયો

ગુજરાતમાં રંગોના તહેવાર-ધૂળેટીની ધામધૂમપૂર્વક અને રંગભેર ઉજવણી થઇ હતી છતાં આ દિવસ ગોઝારો સાબિત થયો હોય તેમ પાણીમાં ડૂબી જવાની જુદી-જુદી ઘટનાઓમાં 31 લોકોના મોત નિપજ્યા હતા. વડોદરા, મહીસાગર, સુરતના બારડોલી-માંગરોળ, અમદાવાદના માંડલ, અરવલ્લીના માલપુર-ધનસુરામાં આવી પ્રાણઘાતક દુર્ઘટનાઓ સર્જાઇ હતી.
મહીસાગરમાં કંતાર ગામના વતની 4 યુવકો ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી તે પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
આ પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 યુવકોને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધૂળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
બારડોલીના ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિઢોળા નદીમાં ધૂળેટીનો દિવસ હોય 5 યુવકો નાહવા પડ્યા હતા. જે પેકી ઊંડા પાણીમાં યુવકો ડૂબ્યા હતાં. પાંચમાંથી એકનો બચાવ થયો હતો, 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે.
બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં ડૂબી જવાની ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકના મોત નિપજ્યા હતા.
રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ ધૂળેટી રમીને શરીર સાફ કરવા ગામના તળાવે ગયા હતા. આ બંને બાળકો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે યુવાનો માઝુમ નદીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીમાં નહાતી વખતે અચાનક બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટી પર્વના દિવસે એક ગંભીર દુર્ઘટના બની હતી. ગામના ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતાં તેમના કરૂણ મોત થયા હતા. આ ત્રણેય બાળકોની ઉંમર આશરે 9 વર્ષ છે અને ત્રણેય સીતાપુર ગામના જ રહેવાસી છે.
મહેસાણાના મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ધૂળેટી રમીને બપોરના સમયે કેનાલમાં નાહવા પડેલા ચારેય યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેમાં આસપાસના લોકોએ બે યુવકોને તો હેમખેમ બચાવી લીધા હતા, પરંતુ 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજયજી ઠાકોર પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કડીના થોળ રોડ પર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું હતું.