20 મહિલા વકીલોએ નોંધાવી ઉમેદવારી સવારે 10થી 6 મતદાન
તા. 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન થશે જેમાં 99 ઉમેદવારો મેદાને છે. કુલ 23 બેઠક, જેમાંથી 5 જગ્યા મહિલા અનામત છે. જેમાં 20 લેડી એડવોકેટસએ ઉમેદવારી નોંધાવી છે.
રાજકોટમાંથી 5 સહિત સૌરાષ્ટ્રના 20 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં કુલ 150 જેટલાં મતદાન મથકો પર મતદાન થશે. રાજકોટમાંથી સ્વ.અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતા ભારદ્વાજ અને ભૂમિકા પટેલ એમ બે મહિલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.
સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ બાર કાઉન્સિલે આગામી તા.15- 3- 2026 સુધીમાં ચૂંટણી યોજવી તેવો હુકમ કરેલો હતો. જેના અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલના અધ્યક્ષ સ્થાને અગાઉ બેઠક મળેલી અને ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા થયેલી. એ બાદ બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ચૂંટણીના મુખ્ય રિટર્નિંગ ઓફિસર એચ. એમ. પરીખ, સંયુક્ત રિટર્નિંગ ઓફિસર એમ. એન. પટેલ, સંયુક્ત રિટર્નિંગ ઓફિસર આર. સી. જાની નોટિફિકેશન જાહેર કરાયું હતું. જેમાં મહિલા અનામતની પાંચ બેઠક સહિત કુલ 23 બેઠકોની ચૂંટણી તા.6/3/ 2026ના રોજ યોજાવા જાહેરાત થઈ હતી. આ કાર્યક્રમ મુજબ, ચૂંટણી પૂર્વે રાજ્યભરના વકીલોની કાચી મતદાર યાદી તૈયાર થઈ હતી. કાચી મતદાર યાદી માટેના વાંધા સૂચનો લેવાયા બાદ તા.31મી જાન્યુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરાઈ હતી. પછી તા.1 ફેબ્રુઆરીથી તા.7 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરવા માટેનો સમય નક્કી કરાયો હતો. તેમાં 9 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી બાદ તા.10 ફેબ્રુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ થઈ હતી અને ફાઇનલ યાદી 13 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી. આવતીકાલે 6 માર્ચે સમગ્ર ગુજરાતમાં કુલ 23 બેઠકો માટે જિલ્લા અને તાલુકા મથકની અદાલતો ખાતે મતદાન પ્રક્રિયા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં જેમાં વેરિફિકેશન ફોર્મ રજુ કરેલ હોય તેવા વકીલો મતદાન માટે યોગ્ય ગણાશે. તા.9 માર્ચે મતગણતરી થશે. જે પછી પરિણામો જાહેર થશે. આ ચૂંટણીમાં હાલના 12 કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે. જે. પટેલ પણ ચૂંટણી મેદાને છે.
રાજકોટ સૌરાષ્ટ્રના ઉમેદવારો જોઈએ તો, રાજકોટના અમૃતા અભયકુમાર ભારદ્વાજ, જીતેન્દ્ર હિંમતલાલ પારેખ(જીતુભાઈ), ચંદ્રેશભાઇ હરસુખભાઈ પટેલ(સી.એચ.), દિલીપ કાનજીભાઈ પટેલ, ભૂમિકા પરેશકુમાર પટેલ, જામનગરના મનોજ મણીલાલ અનડકટ, દિપક રજનીકાંત દોશી, અશોકકુમાર હરિશંકર જોશી, ચાંદની દીપકભાઈ પોપટ, મીના વલ્લભદાસ ભાયાણી, સુરેન્દ્રનગરના પ્રશાંતકુમાર સુરેશકુમાર ભટ્ટ, લીંબડીના અશોકકુમાર કરસનભાઈ ચાવડા, ભાવનગરના હિરેનકુમાર તનસુખરાય જાની, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા, જૂનાગઢના મુકેશ ચીમનલાલ કામદાર, રોહિતકુમાર ગિરધરલાલ મકવાણા, બગસરાના નરેન્દ્રકુમાર ખીમજીભાઇ કાંટીયા, અમરેલીના બકુલેશ દિવ્યકાંત પંડ્યા (બકુલ પંડ્યા), વેરાવળના સૂર્યકાંત નાનાલાલ સવાણી અને મોરબીના જયદીપ બાલુભાઈ પંચોટીયાએ ઉમેદવારી કરી છે.