જિલ્લામાં ઈંધણનો પૂરતો સ્ટોક, લોકો બિન જરૂરી સંગ્રહ ન કરે : પુરવઠા અધિકારી
આપણાં ગુજરાતમાં કહેવત છે કે, ’ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ઘમાઘમ’ મુજબ પાડોશી દેશો વચ્ચે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે અમરેલી શહેર સહિત જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ફેલાઈ રહી છે.
ત્યારે અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જેના કારણે અમરેલી, સાવરકુંડલા, ધારી અને વડીયા સહિતનાં શહેરોમાં અનેક પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ જોવા મળી હતી.
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે નજીકનાં પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા. તેમાં પણ ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર તેમજ બેરલ અને કેન લઈને ડીઝલ ભરાવવા આવતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
અમરેલી શહેર સહિતના શહેરમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે એવી અફવા ફેલાતા દરેક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થયો હતો. ભારે માંગને કારણે એક પંપ પર થોડા સમય માટે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. ખેડૂતો પોતાના કૃષિ મશીનો માટે બેરલ અને કેન ભરાવવા વાહનો સાથે ઉમટી પડતા પંપ વિસ્તારામાં ભારે દોડધામ જોવા મળી હતી.
આ અંગે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં આવેલા વિવિધ કંપનીઓના પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. કેટલીક અફવાઓના કારણે લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે.
તેમણે મીડિયા મારફતે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તમામ પેટ્રોલ પંપ પર નિયમિત વિતરણ ચાલુ છે. તેથી કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને બિનજરૂરી રીતે સંગ્રહખોરી કરવી નહીં.
વડિયામાં પણ પેટ્રોલ પંપ પર કતારો
ઈરાન સાથે ઈઝરાઈલ, અમેરિકા ના ચાલતા યુદ્ધના કારણે ખનીજ તેલની અછત સર્જાવાની અને ભાવ વધારો થવાની ભીતિના કારણે ગામડાના પેટ્રોલ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગામડામાં હાલ ચણા, ઘઉં, ધાણા ની મૌસમ ચાલી રહી હોય ડીઝલની ખુબ જરૂરિયાત હોવાથી અછત સર્જાય તેવી શક્યતા થી ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે. ખેડૂતો ટ્રેક્ટર મા બેરલ લઈને ડિઝલ નો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે. ડીઝલનો ટેન્કર આવતાની સાથે ગણતરીની કલાકોમાં ખાલી થઈ જાય ચે.