વિવિધ કમિટીમાં ભરતસિંહ, શકિતસિંહ, સિઘ્ધાર્થ પટેલ, હેમાંગ વસાવડા, લલીત કગથરા, પરેશ ધાનાણીને સ્થાન મળ્યું
ગુજરાતમાં કોર્પોરેશનો-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકાદ-બે મહિનામાં યોજાવાની છે અને માસાંત સુધીમાં જ જાહેરાત થવાની અટકળો વચ્ચે કોંગ્રેસે વિવિધ કમીટીઓનું એલાન કર્યું છે. જુના-પીઢ નેતાઓ પર જ ભરોસો મુકીને તેઓને જવાબદારી સોંપવામાં આવી છે. લગ્નના ઘોડાને કાઢવાની હાઇકમાંડની અગાઉની જાહેરાતથી ચૂંટણીમાં નવા યુવા નેતાઓને તક મળવાની અટકળો હતી પરંતુ પાર્ટીએ જુના નેતાઓના આશરે જ ચૂંટણી લડવાનો વ્યૂહ નક્કી કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કમીટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય નેતાગીરીએ કમીટીઓ બનાવી છે. થોડા દિવસો પૂર્વે પ્રદેશ નેતાઓને દિલ્હી તેડાવાયા હતા. પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ સહિતના નેતાઓએ બેઠક કરીને ચૂંટણી રણનીતિ ઘડી હતી. હવે કમીટીઓના ગઠન સાથે જવાબદારી સોંપવામાં આવી છે.