Jai Hind

ગરમીમાં થયો વધારો: રાજકોટ સહિત રાજ્યના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

તાપમાન 42 ડિગ્રીને આંબી જવાની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ)એ રાજ્યના 10 જિલ્લાઓમાં અતિ તીવ્ર ગરમીની ચેતવણી આપતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી 2થી 3 દિવસમાં તાપમાન 42ઓથી 44ઓ સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે, જે સામાન્ય કરતાં 4ઓથી 6ઓ સેલ્સિયસ વધુ છે. ઓરેન્જ એલર્ટ જાહેર થયેલા જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું કે આ વિસ્તારોમાં દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને હીટવેવ (ઉષ્ણ લૂ)ની સ્થિતિ ઊભી થઈ શકે છે. રાત્રે પણ તાપમાન 28ઓથી 30ઓ સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. વિભાગે લોકોને બપોરના 11થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની, પુરતું પાણી અને ઓઆરએસ લેવાની, હળવા રંગના કપડાં પહેરવાની, છત્રી-ટોપી-સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની અને વૃદ્ધો, બાળકો તેમજ બીમાર વ્યક્તિઓને વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4થી 5 દિવસમાં રાજ્યના મોટા ભાગમાં ગરમી વધુ તીવ્ર બનશે અને અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર થઈ શકે છે. લોકોને ગરમીથી બચવા માટે સાવચેતીના તમામ ઉપાયો અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
રાજકોટ 40.6 ડિગ્રીએ હોટ સિટી બન્યુ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા ઋતુનાં પ્રારંભિક દિવસોમાં ધીમે-ધીમે ગરમીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતા સૌથી વધુ ગરમ શહેર રાજકોટ રહ્યું છે. ગઇકાલની માફક આજે મંગળવારે બપોરે મહતમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયુ છે. રાજકોટ શહેરમાં સવારે અને સાંજે સામાન્ય ઠંડક સાથે બપોરે આકરો તાપ પડતા શહેરીજનોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આજે સવારે ન્યુનતમ તાપમાન ર0.ર ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયુ હતું
બપોરે ર.30 કલાકે મહતમ તાપમાન 40.6 ડિગ્રી સાથે ભેજનું પ્રમાણ 18 ટકા સાથે પવનની ગતિ સરેરાશ 8 કિ.મી. નોંધાઇ છે.
બપોરે પારો 40 ડિગ્રીને પાર જતા રાજમાર્ગોમાં ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યોહતો. બપોરે આકરા તાપ સાથે ગરમીથી ત્રસ્ત લોકો લીંબુ સરબત, શેરડીનો રસ, આઇસ્ક્રીમ, જયુસનો સહારો લેતા ઠંડા પાણીની પણ ડિમાન્ડ વધી છે. ઉનાળાના પ્રારંભિક દિવસોમાં જ તાપમાન 40 ડિગ્રીને પાર જતા હજુ આગામી દિવસોમાં ગરમી વધે તેવી સંભાવના છે.