Jai Hind

‘જય હિન્દ’ની સેવાપૂર્ણ યાત્રાનો 79મા વર્ષમાં મંગળ પ્રવેશ

તંત્રી સ્થાનેથી….

‘જય હિન્દ’નું પ્રકાશન આજે 79મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ સમગ્ર સમય આ દૈનિક સમાચાર પત્ર માટે અનેકવિધ પડકારો વચ્ચે ગરિમાપૂર્ણ રહ્યો છે સૌરાષ્ટ્રમાં પત્રકારિત્વના ઈતહાસમાં ‘જય હિન્દ’નો ઉદય અને વિકાસ એક સીમાચિન્હ સમો રહ્યો છે. વાંચકોની શ્રધ્ધેયતા અને વિકાસને કારણે અમે આ સિધ્ધિ મેળવી શકયા છીએ.
દેશના સ્વાતંત્ર્યના આરંભના સમયમાં જનતાના પ્રશ્ર્નોને વાચા આપવા અને વિકાસના આયામોને વેગ આપવા અમારા પૂજ્ય પિતાશ્રી બાબુભાઈ શાહે, સૌરાષ્ટ્રની જનતાના પોતાના આગવા અખબારની આકાંક્ષા જોઈ અને તે સંતોષવા માટે આ અખબારના પ્રકાશનની સાહસયાત્રાનો આરંભ કર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ 12મી માર્ચે વિશ્ર્વપ્રસિધ્ધ દાંડીકૂચનો આરંભ કર્યો હતો, તે ઐતિહાસિક દિવસની વર્ષગાંઠના ઉત્સવ પ્રસંગે આ દૈનિકની સ્થાપના કરવામાં
આવી હતી.
દેશની આઝાદી માટેના સંગ્રામ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝે, ભારતીય જનતા જનાર્દન માટે જે પ્રેરણાત્મક સૂત્ર ‘જય હિન્દ’ આપ્યું હતું, તેની દેશની જનતા માટે સદાયે રહેતી સ્મૃતિ અને જનતાનું ધ્યેય દર્શાવતું ‘જય હિન્દ’ નામ, આ અખબારને અપાયું હતું. તે સાથે પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતાનો મંત્ર અપનાવાયો હતો. અમેે સમાચાર પ્રાપ્તિ, દૈનિક અખબારની ઝડપી વિતરણ વ્યવસ્થા તેમજ મુદ્રણકાર્ય સહિતના ટેકનોલોજી વિષયક પરિવર્તનોને અનુસરવામાં પણ અગ્રેસર અને પ્રગતિશીલ રહ્યા છીએ.
આ સમયગાળામાં સૌરાષ્ટ્રની જનતાની સમસ્યાઓ, લાગણીઓ, આકાંક્ષાઓને વાચા આપવામાં ‘જય હિન્દ’ એ જનતાના વિશ્ર્વાસ અને શ્રધ્ધેયતા મેળવ્યા છે અને તેથી જ ‘જય હિન્દ’ની ગરિમાપૂર્ણ આગેકદમ થતી રહી છે.
આ સમયગાળામાં શાસન તંત્ર દ્વારા લોકલાગણીઓનો સ્વીકાર નહીં થતા લોક આંદોલનો પણ સર્જાયા છે, તે પૈકી યોગ્ય અને ન્યાયપૂર્ણ આંદોલનોને સમર્થન આપીને ‘જય હિન્દ’એ શાસન તંત્ર સામે નિડરતા, નિખાલસતા અને ધ્યેયનિષ્ઠા સાથે ઝઝૂમવું પડ્યું છે. આ પ્રકારના લોકતરફી સંઘર્ષોના સમયે ‘જય હિન્દ’એ કોઈના પ્રતિ દ્વેષભાવના કે દુર્ભાવનાની નીતિ અપનાવી નથી.
‘જય હિન્દ’ પ્રકાશનના 79મા વર્ષમાં પ્રવેશના મંગળ અવસરે અમે અમારા વાંચકો, વિજ્ઞાપનકારો, સ્નેહીજનો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કરીએ છીએ.