Jai Hind

ઉનાળો ‘ગરમી’ પકડવા લાગ્યો: સૌરાષ્ટ્ર સહિત રાજયના 11 શહેરોમાં 40થી 4ર ડીગ્રી તાપમાન

4ર ડીગ્રી તાપમાન સાથે રાજકોટ વધુ એકવાર હોટસીટી બન્યું : રસ્તાઓ સુમસામ

માર્ચ માસની હજુ તો શરૂઆત જ છે. ત્યાં રાજયમાં મે માસ જેવી ગરમી પડવા લાગી છે અને હવામાન વિભાગે પણ હવે હિટવેવની આગાહી કરી હોય હજુ તાપમાન વધવાનાં પુરા અણસાર છે.
ગઇકાલે જ રાજકોટમાં 4ર ડિગ્રી સહિત રાજયનાં કુલ 11 શહેરોમાં 40થી 4ર ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ હતું.
જયારે આજે પણ રાજકોટ ઉપરાંત રાજયમાં એક ડઝન સ્થળે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આજે સવારથી જ રાજકોટ ઉપરાંત અનેક શહેરોમાં 19થી રપ ડિગ્રી સુધીનું ઉંચુ લઘુતમ તાપમાન નોંધાતા સવારથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો.
દરમ્યાન ગઇકાલે રાજકોટમાં હાઇએસ્ટ 4ર ડિગ્રી ઉપરાંત અમદાવાદમાં 41.4, અમરેલીમાં 40.3, વડોદરામાં 41, ભાવનગરમાં 39.6, ભુજમાં 41, ડાંગમાં 39.4, ડિસામાં 41, દિવમાં 41.3, ગાંધીનગરમાં 40.8, કંડલામાં 39.પ, પોરબંદરમાં 40.9, સુરતમાં 40.ર અને વેરાવળ ખાતે 40.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે આજે સવારમાં હવામાં ભેજ માત્ર 36થી પ3 ડિગ્રી થઇ જતા સુર્યદેવતાનું આકરૂ રૂપ સવારથી જ દેખાતું હતું.
જ્યારે જામનગર શહેરનું મહતમ તાપમાનનો પારો 37 ડિગ્રી ઉનાળાના પ્રારંભે પહોંચ્યો હતો જયારે લઘુતમ તાપમાનનો ર1.પ ડિગ્રી રહ્યો છે તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 4.6 કિ.મી. નોંધાઇ છે.
વધુમાં મળતા અહેવાલો મુજબ અમરેલી જિલ્લાની ભૌગોલિક પતિસ્થિતિ જ કંઈક અલગ છે. જેને લઈ અમરેલીમાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડે છે. ત્યારે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે દિવસ દરમિયાન અમરેલીમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો.
હવામાન વિભાગના આંકડા મુજબ આજે અમરેલીમાં ન્યૂનત્તમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ આશરે 40 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 4.1 કિલોમીટર રહેતાં હળવો પવન ફૂંકાતો રહ્યો હતો. તેમ છતાં તાપમાનમાં થયેલા વધારાને કારણે ગરમીનું પ્રમાણ વધુ અનુભવાયું હતું.
શહેરમાં ગરમીમાં અચાનક વધારો થતા બપોરના સમયે મુખ્ય માર્ગો પર અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. અને શહેરના ઘણા માર્ગો સુમસામ બની ગયા હતા.
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યનું સૌથી ગરમ કેન્દ્ર બની રહ્યો છે. ચામડી દઝાડતી ગરમી અને લૂના કારણે પ્રાથમિક શાળાના નાના બાળકોની હાલત કફોડી બની રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાની તમામ શાળાઓનો સમય સવારનો કરવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વેધર એનાલીસ્ટની આગાહી
આજથી ગરમીમાં આંશિક રાહત તાપમાન ર થી 3 ડીગ્રી ઘટશે
રાજકોટ સહિત રાજ્યના અનેક ભાગોમાં છેલ્લા ચારેક દિવસથી સિવિયર હીટવેવની હાલત વચ્ચે આવતીકાલથી આંશિક રાહત મળવા લાગશે અને 13 થી 17 માર્ચ દરમ્યાન મહત્તમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટીને 40 ડીગ્રીની નીચે આવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટવેવની હાલત પ્રવર્તી રહી છે અને અનેક સ્થળોએ તાપમાન નોર્મલની સરખામણીએ 7 થી 8 ડીગ્રી વધુ નોંધાઇ રહ્યું છે. રાજકોટમાં ગઇકાલે મહત્તમ તાપમાન 42 ડીગ્રી હતું તે સામાન્ય કરતા 8 ડીગ્રી વધુ હતું. આ જ રીતે સુરેન્દ્રનગર 41.7 ડીગ્રી હતું તે સામાન્ય કરતાં 7 ડીગ્રી વધુ હતું. અમદાવાદનું 41.4 ડીગ્રી (7 ડીગ્રી વધુ), ડીસામાં 41.3 ડીગ્રી (7 ડીગ્રી વધુ), પોરબંદરમાં 40.9 ડીગ્રી (8 ડીગ્રી ઉંચુ), ભુજમાં 41 ડીગ્રી (સામાન્ય કરતા 7 ડીગ્રી વધુ હતું. તેઓએ તા.17 માર્ચ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે આવતીકાલથી તાપમાનમાં મામુલી-આંશિક ઘટાડો થવાની અને ગરમીમાં થોડી ઘણી રાહત મળવાની સંભાવના છે. આવતીકાલે તા.12મીએ મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રીનો ઘટાડો શક્ય છે, જ્યારે તા.13 થી 17 માર્ચમાં તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટી શકે છે અને તે 37.5થી 39.5 ડીગ્રીની રેન્જમાં આવવાની સંભાવના 40 ડીગ્રીની અંદર આવી જશે.