Jai Hind

તા.25મીએ વિધાનસભા સત્ર પુરૂ થયા બાદ ચૂંટણીની થશે જાહેરાત

સંભવત: એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં થશે મતદાન

ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે આગામી દિવસોમાં રાજકીય ગરમી પણ વધશે, રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી યોજવા માટે તૈયારી છે. ગાંધીનગરના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ એપ્રિલ માસના ત્રીજા સપ્તાહમાં યોજાશે અને આકરો ઉનાળો શરુ થાય તે પૂર્વે મતદાન અને ગણતરી સહિતની તમામ પ્રક્રિયાઓ પુરી કરવા માટે શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે. ગાંધીનગરમાંથી આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાનું વર્તમાન સત્ર જે તા.25 માર્ચના રોજ પુરું થઇ રહ્યું છે તે પછી તૂર્ત જ ચૂંટણીની જાહેરાત થશે. રાજ્યભરમાં મહાનગરપાલિકાઓ કે જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં વહીવટદાર શાસન આવી ગયા છે અને નગરપાલિકાઓમાં પણ આ વ્યવસ્થા લાગુ થઇ ગઇ છે. થોડા દિવસમાં જિલ્લા પંચાયતમાં પણ વહીવટદાર શાસન આવી જશે. રાજ્યમાં રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર ઉપરાંત 9 નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ એક સાથે ચૂંટણી યોજાય તેવું શેડ્યુલ બની રહ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત હવે મહાનગરપાલિકાઓમાં પણ 27 ટકા ઓબીસી અનામતનો અમલ થયો છે અને તેથી ચૂંટણીના સમીકરણો પણ બદલાયા છે જ્યારે ‘સર’ની પ્રક્રિયા પણ પૂરી થઇ છે અને તેથી મતદાર યાદીમાં પણ મોટા સુધારા-વધારા થયા છે આમ આ ચૂંટણી રસપ્રદ બની રહેશે તે નિશ્ર્ચિત છે. હાલ ભાજપ તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં શાસન પર છે અને તે પોતાનો 100 ટકાનો સ્ટ્રાઇક રેટ જાળવવા આતુર છે.
જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં શક્ય તેટલું ગાબડુ પાડીને 2027 પૂર્વે વિપક્ષને મજબૂત બનાવવા મથી રહ્યું છે.