Jai Hind

રાજકોટ સહીત ચાર મહાનગરોમાં ખુલશે નમો સ્વદેશી અર્બન મોલ

સ્વદેશી ચીજ વસ્તુના ઉત્પાદકોને વેંચાણ માટે મળશે ઘરઆંગણે જાયન્ટ પ્લેટફોર્મ

દેશના નાગરિકો વધુમાં વધુ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાનને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા નવી પહેલો કરી રહી છે.
આ દિશામાં હવે ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓ-અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. આ મોલ દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને કાયમી અને આધુનિક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આ યોજના અમલમાં મુકાઈ રહી છે.
આ મોલનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો વેચવા માટે સુવ્યવસ્થિત બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી શહેરના લોકો એક જ સ્થળે વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકે અને ઉત્પાદકોને પણ સીધું બજાર મળી રહે.
ઉલ્લેખનીય છે કે શહેરી વિકાસ વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી ફેસ્ટિવલ’ અંતર્ગત સ્વદેશી મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓમાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. આ સફળતાને ધ્યાનમાં રાખીને હવે કાયમી સ્વરૂપે ‘નમો સ્વદેશી અર્બન મોલ’ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મોલમાં ખરીદદારો અને વેચાણકારો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત થશે, જેના કારણે ગ્રાહકોને વિવિધ સ્વદેશી ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. સાથે જ આ મોલમાં સમયાંતરે સ્વદેશી મેળાઓ, હાટ અને વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરી શકાશે, જેના કારણે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે.
રાજ્ય સરકાર દ્વારા 2026-27ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ તેમજ સ્વદેશી મેળાઓના આયોજન માટે કુલ રૂ.45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.