21 થી 41 ટકા જ પાણીનો જથ્થો: ડેમો ડુકવાની શરૂઆત થતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરા બન્યા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે જળાશયોના પાણીના સ્તરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે સૌરાષ્ટ્રના ડેમો ખાલી થવાની કગાર પર છે, જે આગામી દિવસોમાં ગંભીર જળ સંકટ તરફ ઈશારો કરે છે. ગત વર્ષની સરખામણીએ પાણીના જથ્થામાં થયેલો ઘટાડો તંત્ર અને પ્રજા બંને માટે ચિંતાનો વિષય બન્યો છે.
સૌરાષ્ટ્રના કુલ 141 નાના-મોટા ડેમોમાં અત્યારે પાણીનો સંગ્રહ માત્ર 55 ટકા જેટલો જ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીના જથ્થામાં 9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનામાં જ જો આટલો ઓછો જથ્થો હોય, તો મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં સ્થિતિ કેટલી વિકટ બનશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
ચિંતાજનક બાબત એ છે કે સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી 42 ડેમ તો અત્યારે જ તળિયાઝાટક થવાની સ્થિતિમાં આવી ગયા છે. આ 42 ડેમો ખાલી થવાને કારણે હવે બાકી રહેલા 99 ડેમો પર પાણીની જરૂરિયાત પૂરી કરવાનો મોટો મદાર આવી પડ્યો છે. ડેમોના તળિયા દેખાવા લાગતા સ્થાનિક ખેતી અને પશુપાલન પર પણ તેની માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના મુખ્ય ચાર જિલ્લાઓ-દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પાણીની તંગીની સૌથી વધુ ભીતિ સેવાઈ રહી છે. આ જિલ્લાના જળાશયોમાં હાલમાં માત્ર 21થી 41 ટકા જેટલું જ પાણી બચ્યું છે. પોરબંદર અને સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પાણી માટે પોકાર શરૂ થયો છે. જો સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ઉનાળો આકરો સાબિત થઈ શકે છે.
ગરમીના કારણે ડેમોમાં રહેલા પાણીના બાષ્પીભવનનો દર પણ વધી રહ્યો છે. એક તરફ ગરમીના લીધે પાણીની માંગ વધી રહી છે અને બીજી તરફ કુદરતી સ્ત્રોતો સુકાઈ રહ્યા છે. જામનગર અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી રહ્યા હોવાથી લોકોની નિર્ભરતા માત્ર ડેમ અને કેનાલ પર રહી છે. વધતા જળ સંકટને જોતા તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. પીવાના પાણીને પ્રાથમિકતા આપીને સિંચાઈના પાણીમાં કાપ મૂકવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી દિવસોમાં નર્મદાના નીર દ્વારા આ ડેમોને ભરવામાં આવે તો જ રાહત મળી શકે તેમ છે.
ડેમોમાં 72 ટકા જળ જથ્થો જીતુભાઇ વાઘાણી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.આ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ 6.46 લાખ ખઈઋઝ એટલે કે, 72 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો 4.15 ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ 74 ટકાથી વધુ એટલે કે 2.47 લાખ ખઈઋઝ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 2.34 લાખથી વધુ ખઈઋઝ પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 65,179 ખઈઋઝ, ઉત્તર ગુજરાતમાં 41,842 ખઈઋઝ, સૌરાષ્ટ્રમાં 53,621 અને કચ્છ વિસ્તારમાં 4,392 ખઈઋઝ પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.