Jai Hind

દુધમાં ભેળસેળ સહિતના ગોરખધંધા રોકવા મોટો નિર્ણય દુધ ઉત્પાદકો-વેપારીઓ માટે લાયસન્સ ફરજીયાત

ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટીએ માર્ગદર્શિકા જારી કરી: સહકારી ડેરીમાં સભાસદ ન હોય તેવા તમામને નિર્ણય લાગૂ: ફૂડ બિઝનેશ લાયસન્સ હેઠળ દુધનો ધંધો નહીં કરી શકાય

દુધ તથા ડેરી પ્રોડક્ટમાં બેફામ ભેળસેળના બનાવો તથા આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે હવે દુધ વેચનારા તમામ લોકો માટે રજીસ્ટ્રેશન કે લાયસન્સ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે મુજબ કોઇપણ ડેરી સરકારી મંડળીમાં સભ્ય ન હોય તેવા દુધના વેપારી-વિક્રેતાઓ માટે રજીસ્ટ્રેશન કે લાયસન્સ ફરજીયાત રહેશે. દુધ ઉત્પાદકો-વેપારીઓ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના જ ધંધો કરે છે અથવા તો ફ્રૂડ બીઝનેશના નામે દુધનો વ્યવસાય કરતા હોવાનું ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે સહકારી કાયદા હેઠળ સહકારી ડેરીમાં સભાસદ હોય અને તમામ ઉત્પાદિત દૂધ ડેરીમાં જ સપ્લાય કરતા હોય તે સિવાયના તમામ દૂધ ઉત્પાદકો-વેપારીઓએ ઓથોરીટી પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. દૂધ વેચતા વેપારીઓને પણ આ નિયમ લાગૂ પડશે.
વિવિધ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુધમાં મોટાપાયે ભેળસેળના બનાવો વધ્યા હોવાથી રજીસ્ટ્રેશન કાયદાનો કડકાઇથી અમલ કરવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્યોના સંબંધિત અધિકારીઓ તથા ફૂડ સેફટી ઓથોરીટી દ્વારા દુધ ઉત્પાદકો-વેપારીઓ પાસે લાયસન્સ છે કે કેમ અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ ધંધો કરે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. દુધ સાચવવા માટે ઉપયોગમાં લેવાતા ડીપફ્રીઝ સહિતના સાધનોથી પણ નિયમિત ચકાસણી કરવા સુચના જારી કરવામાં આવી છે. લોકોના આરોગ્યના રક્ષણ તથા દુધને બગડતું રોકવા યોગ્ય રીતે સ્ટોરેજ પર તપાસ કરવા કહેવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરતાં દૂધ ઉત્પાદકો-વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.
ઓથોરીટી દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુચવવામાં આવ્યું છે કે સહકારી ડેરીના સભ્ય ન હોય અને લાયસન્સ પણ ધરાવતા ન હોય તેવા દુધ ઉત્પાદકો તથા વેપારીઓના રજીસ્ટ્રેશન માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે. દુધ તથા દુધ પ્રોડક્ટમાં ભેળસેળ ચકાસવા માટે નિયમિત ડ્રાઇવ યોજીને મહિનામાં બે વખત એક્શન ટેકન રીપોર્ટ આપવા પણ કહેવામાં આવ્યું છે.