વર્લ્ડ કિડની ડેના પ્રસંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામ દ્વારા આજે સાંજે 4:00 વાગ્યે વાયએમસીએગ્રાઉન્ડ ખાતે કિડનીના દર્દીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિડની સંબંધિત બીમારીઓથી પીડિત દર્દીઓ, તેમના પરિવારજનો અને આરોગ્ય નિષ્ણાંતો એકત્ર થયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિડનીના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો, દર્દીઓને પ્રોત્સાહન આપવાનો અને સહકાર તથા સંવેદનાથી ભરેલું વાતાવરણ સર્જવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન મોજમસ્તીભરી રમતો સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.કિડનીની સમસ્યાઓને સફળતાપૂર્વક હરાવી જીવનમાં નવી આશા મેળવી ચૂકેલા દર્દીઓએ પોતાના પ્રેરણાદાયી અનુભવ રજૂ કર્યા હતા. ઉપરાંત તમામ ઉપસ્થિતો માટે રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દર્દીઓમાં સકારાત્મકતા વધારવાનો, તેમનું મનોબળ મજબૂત બનાવવાનો અને કિડનીના રોગોમાં સમયસર નિદાન, યોગ્ય સારવાર તથા જીવનશૈલીમાં સુધારાની મહત્વતા વિશે સંદેશ પહોંચાડવાનો હતો.
આ કાર્યક્રમમાં 100થી વધુ કિડની દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે વર્લ્ડ કિડની ડેની ઉજવણી અર્થપૂર્ણ અને યાદગાર બની હતી. કાર્યક્રમ દ્વારા દર્દીઓને એકબીજાને મળવાની, પોતાના અનુભવો વહેંચવાની અને જીવનના સંઘર્ષમાં એકબીજાથી પ્રેરણા મેળવવાની અનોખી તક મળી હતી.