મ્યુઝિયમમાં 3000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો, અલભ્ય કૃતિઓનો સમાવેશ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના શુભ અવસર પર તા.31મી માર્ચના મંગળવારે ગાંધીનગર, કોબામાં આવેલ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમનું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે લોકાર્પણ, પરમ વંદનીય, જૈન શાસન પ્રભાવક, રાષ્ટ્રસંત, આચાર્ય ભગવંત પૂ. પદ્મસાગરસૂરીશ્ર્વરજી મ. આદિની નિશ્રામાં થનાર છે.
તા.31મીના ચૈત્ર સુદ 13ના શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના અવસરે કોબા જૈન તીર્થમાં યોજાનાર સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિત રહેશે.
‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ તા.31મીના સવારે 9.30 કલાકે યોજવામાં આવેલ છે.
શ્રી મહાવીર આરાધના કેન્દ્ર કોબામાં પ્રાચીન હસ્ત પ્રતોનું મ્યુઝીયમ 1980ના ડિસેમ્બરની તા. ર6મીએ જૈનાચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્ર્વરજી મહારાજાના કૃપાપાત્ર શિષ્ય, રાષ્ટ્રસંત આ.ભ.પૂ. શ્રી પદ્મસાગરસૂરીજી મ. દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના કરાઇ હતી.
આ મ્યુઝીયમમાં 3000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે. આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ તથા હાથી દાંતમાંથી કંડારેલી કોતરણીઓનો પણ સમાવેશ છે.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવતા જ્ઞાનપિપાસુઓને અભ્યાસ અને સંશોધન માટે અહીંની હસ્તપ્રતોનો લાભ મળે છે. અનેક જૈન સંઘોએ તથા જૈન વ્યકિતઓએ પોતાના અંગત હસ્તપ્રત સંગ્રહો આ મ્યુઝીયમને ભેંટમાં આપેલા છે. મ્યુઝીયમમાં હજારો વર્ષ જૂન હસ્તપ્રતો, જૈન શિલ્પો તથા જૈન ધર્મના ઇતિહાસને દર્શાવતી કલાકૃતિઓ છે.
આ મ્યુઝીયમ જૈન ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત પૂ. પદ્મસાગરસૂરીજી મ. આદિ ઠાણાની નિશ્રામાં યુનિ. રોડ જૈન સંઘ (રાજકોટ) સુમતિનાથ જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગભગ તેર વર્ષ પૂર્વે ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો.