અગાઉ રસુલપરામાં રહેતો આસીફ કલીનર તરીકે અને હાલ હોટલમાં કામ કરતો હતો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી બેફામ ગાળો ભાંડી ખૂનની ધમકી બાપનાર આસિફે મિત્રના ઘરેથી જ રૂ. 1.50 લાખની ચોરી કરી હોવાનું પોલીસ ચોપડે ચડતા સાયબર ક્રાઈમની ટીમે આશીફને હૈદરાબાદથી દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ચાર દિવસ પૂર્વે જ આશીફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું ઉપરાણું લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેફામ ગાળો ભાંડી ખૂનની ધમકી આપી રહ્યો હતો.
જે મામલે આશીફ વિરુદ્ધ સ્ટેટ સાયબર ક્રાઈમની ટીમે પણ ગુનો નોંધ્યો હતો. તેમજ ગઈકાલે જ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી, તેઓને બહાર પ્રસંગે જવું હોય જેથી તેના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઇ કુંઢાને મકાનની ચાવી આપી હતી. જે મિત્રએ ગદારી કરી ઘરમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે બાદ તે ઇન્સ્ટાગ્રામ મારફત ફરીયાદી સાથે વાતચીત કરી રૂપીયા પરત આપી દેશે તેવું કથન કરતો હતો. પરંતુ રૂપીયા પરત ન કરતાં ફરીયાદ નોંધાવી હતી.
જે બનાવોના પગલે સાયબર ક્રાઇમ પીઆઈ જે એમ કૈલા અને ટીમે તપાસ આદરી હતી અને આરોપીનું પગેરું હૈદરાબાદ તરફ મળી આવતા તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમ હૈદરાબાદ ખાતે દોડી ગઈ હતી અને આસિફને દબોચી રાજકોટ ખાતે લઈ આવી હતી. પોલિસની પ્રાથમિક પૂછપરછમાં આસિફ અહીં ચોરીને અંજામ આપી હૈદરાબાદ નાસી ગયો હતો. જયા પ્રથમ તેં ખાનગી ટ્રાવેલ્સની બસમાં ક્લિનર તરીકે નોકરી પ્રત્કાલિક હતી અને હાલ તેં એક હોટેલના હાઉસ કીપિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
હાલ સાયબર ક્રાઈમની ટીમે આસિફને દબોચી કાયદેસરની કાર્યવાહી આદરી છે. તેની પ્રથમ તાલુકા પોલિસ અને ત્યારબાદ જરૂર જણાયે સ્ટેટ સાયબર ક્રાઈમની ટીમ કબ્જો મેળવી વધુ પૂછપરછ કરશે.
નાયબ મુખ્યમંત્રી વિરૂદ્ધ વાણી વિલાસ કરતાં એક નહિ ત્રણ વિડીયો બનાવ્યા’તા
પકડાયેલ આસિફે અભદ્ર ભાષામાં હર્ષ સંઘવીને ગાળો આપી જાહેરમાં મારી નાખવાની ધમકી આપતો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વાયરલ કર્યો હતો. જે બાદ સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે બાદ આસિફકના સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સની તપાસ કરતા તેણે હર્ષ સંઘવી વિરુદ્ધ ઝેર ઓકતા એક કે બે નહિ કુલ ત્રણ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યાનું ખુલ્યું હતું. જો કે, બાદમાં રેલો આવતા તેણે માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો.