Jai Hind

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી

સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ખેડુતોમાં ચિંતા ફેલાઈ

ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરતા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના ખેડુતો ચિંતાતુર બન્યા છે.
રાજ્યમાં ઉનાળાના પ્રરંભે આકરી ગરમી પડી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આકરા તાપથી નગરજનો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં ગત શનિવારથી પલટો આવ્યો છે. ધ્રાબળિયું વાતાવરણનો અનુભવ નગરજનો કરી રહ્યા છે. સોમવારે સવારે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરોમાં ઝાંકળ વર્ષા થઈ હતી. તેમજ સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તા. 18થી 21 સુધી કમોસમી વરસાદ પડશે. જેમાં તા. 18ના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં તો તા. 19ના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં માવઠુ વરસવાની આગાહી કરી છે.
જ્યારે તા. 20 ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહીના કારણે રાજ્યના ખેડુતો ચિંતાતુર બન્યા છે.
જામનગરમાં યાર્ડમાં જણસીને ઢાંકીને રાખવા તંત્રની અપીલ
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.18 માર્ચ થી તા.21 માર્ચ દરમિયાન ગુજરાત રાજયના જામનગર સહિત ના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણઅધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), ઊંટઊં અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રીનંબર – 1800 180 1551 સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામક (તાલીમ અને મુલાકાત યોજના) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ક્યા શહેરમાં કેટલુ તાપમાન
શહેર તાપમાન
અમરેલી 36.9
ભાવનગર 34.7
ભૂજ 37.7
દીવ 30
દ્વારકા 31
કંડલા 33.5
નલિયા 34
ઓખા 31.4
પોરબંદર 32.5
રાજકોટ 38.3
વેરાવળ 30.4