Jai Hind

ગ્રામીણ ક્ષેત્રમાં પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય, પરિવહન સહિતની જન સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: મંત્રી બાવળીયા

મંત્રીના હસ્તે રૂ. 565 લાખથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે આજરોજ જસદણ તાલુકામાં રૂ. 300 લાખના ખર્ચે લીલાપુર કાળાસર રોડનું કામ, રૂ. 43.27 લાખના ખર્ચે પશુ દવાખાનું, વિંછીયા તાલુકાના હિંગોળગઢ સ્થિત અશ્વ સંવર્ધન કેન્દ્ર ખાતે રૂ. 225 લાખના ખર્ચે સ્ટાફ ક્વાર્ટરના નિર્માણ સહીત વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરાયા હતા. લીલાપુર ખાતે લીલાપુર – કાળાસર નોન પ્લાન રોડનું ભૂમિપૂજન કરતા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શહેર તેમજ ગામોને પાકા ડામર રોડથી જોડી પરિવહન સેવા સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પીવાનું પાણી, સારવાર કેન્દ્રો, પશુ દવાખાના, બસ સ્ટોપ, રોડ, કોઝવે, પુલ સહિત અનેકવિધ પ્રકલ્પો થકી લોકોને સુખાકારીમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રૂ. 70 કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જસદણ અને વિંછીયા પંથકમાં મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ રૂ. 4327 લાખના ખર્ચે પશુ દવાખાના નિર્માણનું પણ આ તકે ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, આ સુવિધા ઉપલબ્ધ બનવાથી આસપાસના ગામના લોકોના પશુઓને નજીકના સ્થળે સારવાર મળી રહેશે. મંત્રી કુંવરજીભાઇએ ગઢડીયા ખાતે રૂ. 3 લાખના ખર્ચે કોઝવે બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરી ગામના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે, ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપવા પ્રતિબધ્ધ છે. વધુમાં, આ ગામમાં ખુબ સારા રમકડાં બનાવવાનો ઉદ્યોગ કાર્યરત છે, ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરી શકે તે માટે યુવાનોને ખાસ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે. આઈ.ટી. આઈ. દ્વારા અનેક સ્કિલ બેઝ કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે ડ્રોન ટેક્નોલોજી સહીત વિવિધ કૌશલ્યવર્ધી શિક્ષણ દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકો ઉચ્ચ રોજગારી મેળવી શકે તે માટે મંત્રીએ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતાં. મંત્રીશ્રી બાવળિયાએ હિંગોળગઢ સ્થિત અશ્વ સંવર્ધન ફાર્મ ખાતે નવા સ્ટાફ ક્વાર્ટરોનું નિર્માણ, ઇન્ટર્નલ સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટથી 250 મી.નો એપ્રોચ રોડ, વોટર સપ્લાય સિસ્ટમ, ફર્નિચર સહીત કુલ રૂ. 225 લાખના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તાલુકા પંચાયતના સભ્ય ચંકિતભાઈ રામાણીએ પ્રાસંગિક પ્રવચનમાં કુંવરજીભાઈના કાર્યકાળમાં જસદણ, વિંછીયા વિસ્તારમાં થયેલા વિકાસકામોની માહિતી આપી મંત્રીશ્રીના વિકાસલક્ષી અભિગમને આવકાર્યો હતો.