Jai Hind

રાજ્ય સરકાર દ્વારા ઈવી કાર ફાળવાઈ કેશોદ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ હવે ઈલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજીમાં બનશે સજ્જ

રાજ્યના યુવાનોને આધુનિક ટેક્નોલોજી સાથે સુસંગત પ્રાયોગિક તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગ્રીન મોબિલિટી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અને તાજેતરમાં રાજ્યની વિવિધ આઈટીઆઈ માટે 40 ઈલેક્ટ્રિક વ્હિકલ (ઊટ) કારને ફ્લેગ ઓફ આપી ફાળવવામાં આવી હતી. આ પહેલના ભાગરૂપે આઈટીઆઈ કેશોદને તાલીમ માટે અદ્યતન ટાટા ટિઆગો ઈલેક્ટ્રિક કાર મળી છે, જે સંસ્થાના તાલીમાર્થીઓ માટે ટેક્નિકલ કૌશલ્ય વર્ધનનું નવું માધ્યમ બનશે. આઈટીઆઈ કેશોદ ખાતે ઈવી કાર ઉપલબ્ધ થવાથી હવે અહીંના તાલીમાર્થીઓને ઈલેક્ટ્રિક વાહનોના સંચાલન, જાળવણી (મેન્ટેનન્સ) અને જટિલ ટેક્નિકલ કામગીરી અંગે પ્રત્યક્ષ ‘હેન્ડ્સ-ઓન’ પ્રેક્ટિકલ તાલીમ મળી શકશે. વર્તમાન સમયમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે જે રીતે ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધી રહ્યો છે, તેને ધ્યાને લેતા આ સુવિધા તાલીમાર્થીઓને ઉદ્યોગસંગત આધુનિક કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રે સજ્જ થવામાં મહત્વપૂર્ણ બની રહેશે. સંસ્થાના ઈનચાર્જ પ્રિન્સિપાલ પ્રિયેશ કે. વાળા અને સમગ્ર સ્ટાફ દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ અભિગમથી તાલીમાર્થીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં ઉભરી રહેલી વિપુલ તકોનો લાભ લઈ શકશે અને ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરવા માટે સક્ષમ બનશે.