કન્ટેનર ટ્રાન્સપોર્ટ મોંઘુ થવાના સંજોગોમાં અન્ય અનેક ક્ષેત્રોમાં તીવ્ર અસરના ભણકારા
પશ્ર્ચિમી એશિયામાં ચાલી રહેલા ભયાનક યુધ્ધથી પેટ્રોલીયમ સંકટ સર્જાવાની સાથોસાથ અનેક ક્ષેત્રો પર તીવ્ર અસર છે. ત્યારે કંડલા-મુંદ્રા ક્ધટેનર ટ્રાન્સપોર્ટ એસોસીએશને તાત્કાલીક અસરથી ભાડામાં 20 ટકાનો વધારો લાગૂ કરી દીધો છે. ક્ધટેનર ટ્રાન્સપોર્ટ મોંઘુ થવાના સંજોગોમાં અન્ય અનેક ક્ષેત્રોમાં તીવ્ર અસર પડવાના ભણકારા છે.
કંડલા-મુંદ્રા ક્ધટેનર ટ્રાન્સપોર્ટ એસોસીએશને જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે બલ્ક ડિઝલમાં ભાવવધારો તથા અછતની સ્થિતિને કારણે ગુજરાત સહિત દેશભરમાં લોજીસ્ટીક સેવાઓ પ્રભાવિત થવાનો ખતરો છે. એસોસીએશન હસ્તક કંડલા-મુંદ્રા તથા દેશના જુદા-જુદા ભાગોમાં 10,000 ક્ધટેનર ટ્રકનું સંચાલન થાય છે. ડિઝલ મોંઘુ થતાં અને સપ્લાયમાં મુશ્કેલીથી ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઔદ્યોગિક ડિઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો કર્યો છે તે પ્રતિ લીટર રૂા.112 થયું છે. ટ્રાન્સપોર્ટરો સામાન્ય રીતે બલ્કમાં જ ડિઝલ ખરીદતા હોવાના કારણોસર ખર્ચ વધી ગયો છે.
એસોસીએશનના પ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ કહ્યું કે પેટ્રોલ પંપ પર ડિઝલનો પર્યાપ્ત જથ્થો નથી અને લાંબી લાઇનોને કારણે 6 થી 7 કલાક રાહ જોવી પડે છે. જાહેર ક્ષેત્રની કંપનીઓએ બલ્ક ડિઝલમાં ભાવ રૂા.112 કરી નાખ્યો છે. જ્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓનો ભાવ 121 છે. આ સંજોગોમાં ભાડામાં વધારો કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.
તેમણે એમ પણ કહ્યું કે ઇંધણની કટોકટી સહિતના કારણોસર ટાયર તથા ઓટો સ્પેરપાર્ટસના ભાવમાં પણ 3 થી 4 ટકાનો વધારો થઇ ગયો છે. પરિણામે ટ્રાન્સપોર્ટરો પર વધારાનો બોજ સર્જાયો છે.
એસોસીએશન દ્વારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે તમામ સ્થળો માટે આ ભાડા વધારો લાગૂ પડશે. આ વધારો પ્રવર્તમાન કટોકટી આધારિત જ છે. પરિસ્થિતિ નોર્મલ થઇ જવાના સંજોગોમાં તે પાછો ખેંચી લેવામાં આવશે.