27 મી માર્ચે સાંજે છ વાગ્યે યોજાશે સમારોહ: 540 કલાકારો કલા રજૂ કરશે: ઉત્તર પૂર્વના હસ્તકલાના 40 અને ગુજરાતના 40 મળી 80 સ્ટોલમાં થશે ચીજ વસ્તુઓનું વેચાણ: જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આપવામાં આવી માહિતી
પોરબંદરના માધવપુર ખાતે 27 મી તારીખે લોકમેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરશે. ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીના વિવાહ પ્રસંગ નિમિત્તે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે 27 માર્ચથી 30 માર્ચ, 2026 દરમિયાન યોજાનાર છે. આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા પત્રકાર પરિષદ કરીને મેળાના વિગતવાર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.
કલેકટરએ જણાવ્યું હતું કે, 27 માર્ચે સાંજે 6 કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ તથા ભારત સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ 540 કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં 270 કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને 270 ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ 30 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય ઉદઘાટન સમારોહ તા. 27મી માર્ચ સાંજે 6:00 કલાકે થશે.સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વિકાસ ભી, વિરાસત ભી સમૃદ્ધિ સે સંસ્કૃતિની રાખવામાં આવી છે.
મેળા દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 માર્ચના રોજ ગીતાબેન રબારી, 28 માર્ચના રોજ રાજ ગઢવી અને મયુર દવે, 29 માર્ચના રોજ ઋષભ આહીર તેમજ 30 માર્ચના રોજ શ્યામલ શબ્દ ગ્રુપ પ્રસ્તુતિ આપશે.
કલાકારોને સોમનાથમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યારે હસ્તકલા ના કારીગરોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે તેઓ પૂર્વ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે.
માધવપુર ઘેડના મેળામાં પ્રથમ વખત 60 ભાતીગળ લોકકલાના કલાકારો સંગીત રસ પીરસે તે માટે તૈયારી ચાલી રહી છે.જેમાં તુરી બારોટ સમુદાયના કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવશે.
મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોનોને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરમાં સરળતા રહે.
તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુસાફરો માટે 35 એસ.ટી. બસો (25 પોરબંદર જિલ્લાની અને 10 માંગરોળની) અને બાકીના ત્રણ દિવસોમાં 5-5 બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
માધવપુર ઘેડમાં હજારો વર્ષોથી ઉજવાતો આવ્યો છે કૃષ્ણ-રૂક્મિણીનો વિવાહોત્સવ
માધવપુર ઘેડનું ભવ્ય, પૂર્વાભિમુખ ઊભેલું પ્રાચીન મંદિર સોલંકી યુગની કલા અને ભાવનાની જીવંત સાક્ષીરૂપે આજેય અડગ ઊભું છે. મંદિર સાથે જ અહીં સોલંકીકાલની મૂર્તિઓ પણ સ્થાપિત છે, જે દર્શાવે છે કે આ સ્થળનું ધાર્મિક તથા ઐતિહાસિક મહાત્મ્ય પૌરાણિક યુગોથી પણ વધુ જૂનું છે.વિચારજગતને ચકિત કરનારી એક મહત્વની નોંધ સિદ્ધપુરમાં વસતા ભીમ કેશવદાસના સાહિત્યમાંથી મળે છે. સંવત 1541માં ભીમ કેશવદાસે “હરીલીલષોડશકલા” શીર્ષકથી સમગ્ર શ્રીમદ ભાગવતનો 16 ખંડોમાં આખ્યાન પદ્ધતિએ રસપ્રદ નિરૂપણ આપ્યું છે. ત્યારબાદ સંવત 1546માં પ્રભાસપાટણમાં રહી તેમણે કૃષ્ણમિશ્રકૃત સંસ્કૃત નાટક “કૃષ્ણચંદ્રોદય”નો પ્રાસબદ્ધ ગુજરાતી અનુવાદ “પ્રબોધચંદ્રોદય” નામે કરી ભાવિ પેઢીઓને ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ અમૂલ્ય વારસો આપ્યો હતો.હરીલીલષોડશકલા’માં શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહ પ્રસંગનું વર્ણન કરતાં કવિ સ્પષ્ટ ઉલ્લેખ કરે છેઆ કાવ્યના આધાર પર એક મહત્વપૂર્ણ તથ્ય સામે આવે છે – કે કૃષ્ણ-રૂક્મિણીના વિવાહનો પાવન પ્રસંગ કોઈ ધાર્મિક કલ્પના નહીં, પણ ઐતિહાસિક સંભારણા તરીકે લોકોમાં જીવીત રહ્યો છે. આશંકા નથી કે માધવપુર ઘેડમાં પાંચસો વર્ષ પહેલાંથી આ વિવાહોત્સવ ધામધૂમથી ઉજવાતો આવ્યો છે અને લોકસંસ્કૃતિમાં તેને મેળા સ્વરૂપે સ્થાન મળ્યું છે.