રાષ્ટ્રહિતના મહત્ત્વના મુદ્દાઓ પર રજૂઆત કરી
વિશ્વ હિન્દુ પરિષદ વિશેષ સંપર્ક અધિકારી ઓના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં દિલ્હી ખાતે સંસદ ભવન ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓએ રાષ્ટ્ર અને હિન્દુ સમાજને સ્પર્શતા ત્રણ મુખ્ય વિષયો-તીર્થક્ષેત્રોનો વિકાસ, જનસંખ્યા અસંતુલન અને બંધારણીય સમાનતા-પર વિસ્તૃત ચર્ચા અને રજૂઆત કરી હતી. આ મુલાકાત દરમિયાન તીર્થક્ષેત્રો નો સર્વાંગી વિકાસ અને સંરક્ષણ મુદ્દે પ્રતિનિધિ મંડળે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની આત્મા તીર્થોમાં વસે છે અને તીર્થોનો વિકાસ એ જ ભારતનો વિકાસ છે. મંદિરો અને તીર્થોના નાણાંનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિતમાં અને સંસ્કૃતિના સંવર્ધન માટે જ થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તીર્થક્ષેત્રો ની પવિત્રતા જાળવવા માટે ત્યાં નશાબંધી અને માંસાહાર પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા તથા નદી ઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.જ્યારે જનસંખ્યા અસંતુલન પર ચિંતા દર્શાવતા દેશમાં વધી રહેલા જનસંખ્યા અસંતુલન સામે રાષ્ટ્રીય ચિંતનની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે ઘટી રહેલા હિન્દુ પ્રજનન દર (ઝઋછ) ભવિષ્યમાં રાજકીય શક્તિમાં ઘટાડો કરી શકે છે. આથી, દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને એક વ્યાપક અને અસરકારક જનસંખ્યા નીતિ લાવવાની માંગણી કરવામાં આવી હતી.જ્યારે બંધારણીય સુધારો (કલમ 29 અને 30) સંદર્ભે શિક્ષણના ક્ષેત્રમાં હિન્દુ સમાજને પણ લઘુમતી સમુદાયો સમાન અધિકારો મળે તે માટે ભારતીય બંધારણની કલમ 29 અને 30 માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે બહુમતી સમાજને પણ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાની સમાન સ્વાયત્તતા મળવી જોઈએ, જેથી શૈક્ષણિક ક્ષેત્રે પ્રવર્તતું અસંતુલન દૂર કરી શકાય. આ મુલાકાતનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશના હિન્દુ સમાજની આકાંક્ષાઓને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો અને રાષ્ટ્ર નિર્માણ ના કાર્યો માં વેગ લાવવાનો હતો.