Jai Hind

સોરઠ પંથકમાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ અસ્ત વ્યસ્ત: મરચાના ભાવમાં તીખી લાલચોળ તેજી

મરચાના ભાવમાં 150થી લઈને 400 રૂપિયા તેમજ હળદર, ધાણા તથા જીરૂમાં આવેલ ભાવ વધારો સાંભળી ગૃહિણીઓ મૂંઝાઈ

રસોડાની રાણીઓ આ વખતે વર્ષ ભરના મસાલા ભરવા માટે વિચારતી થઈ ગઈ છે. કારણ કે, એક તરફ ઘઉં અને કઠોળ સહિતના ધાન્યો મોંઘા થયા છે અને તેલના ભડકે બળતા ભાવની સાથે આ વર્ષે હળદર, મરચાં, ધાણા, જીરૂ સહિતના મસાલાઓમાં પણ અસહ્ય ભાવ વધારો આવતા મહિલાઓ રસોડાનું બજેટ વિખાઈ જતા થોડી ચિંતિત બની છે. આ વખતે સુકા મરચાના ભાવમાં આવેલ 150 થી લઈને 400 રૂપિયા સુધીના ભાવ વધારા તેમજ હળદર અને ધાણા તથા જીરૂમાં પણ આવેલ ભાવ વધારો સાંભળી આ વર્ષે ચટણી, હળદર, મસાલાની ખરીદી કેટલી અને કેવી કરવી તે અંગે વિચારતી થઈ ગઈ છે. દરેક ગૃહિણીઓ, ચૈત્ર માસ શરૂ થતાની સાથે જ બટેટાની વેફર બનાવવાની સાથે ઘઉં સહિતના ધાન્ય ખરીદ કરી તેની સાફ સફાઈ કરી, બાદમાં આખું વર્ષે ચાલે તેટલા ચટણી, હળદર અને મસાલાઓ રસોડામાં ભરી લેવા માટે તૈયારીઓ કરી લેતી હોય છે, પરંતુ આ વખતે મરચાના ભાવમાં ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ બજારમાંથી જાણવા મળી રહી છે. ગત વર્ષે તીખું કાશ્મીરી મરચું 100 રૂપિયે કિલો મળતું હતું તે આ વર્ષે 350 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યું છે. ગત વર્ષે રૂ. 150 માં વહેચાયેલ ડબી કાશ્મીરી મરચાના આ વખતે 600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. જ્યારે રેશમ પટ્ટો 350, ડબલ પટ્ટો 400 અને લવિંગિયા મરચા 350 ના ભાવે બજારમાં વેચવા માટે આવ્યા છે, આમ સરેરાશ મરચાની વિવિધ કેવોલેટી પ્રમાણે રૂ. 150 થી લઈને 450 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે.
આવી જ રીતે મૂળો હળદર ગત વર્ષે રૂ. 200 ની આસપાસ વહેંચાતી હતી તે આ વખતે 220 થી 240 ના ભાવે માર્કેટમાં આવી છે. સેલમ હળદર ગત વર્ષે 220 થી 240 ના ભાવ હતા તેના આ વખતે 260 આસપાસ ભાવ થઈ ગયા છે, આ જ રીતે ઉચ્ચ ગુણવત્તાવાળી લીલો મૂળો અને કેસર હળદર ગત વર્ષે રૂ. 300 માં વહેંચાતી હતી જેના આ વખતે રૂ. 350 જેવો ભાવ બોલાઈ રહ્યો છે. આમ હળદરમાં પણ સરેરાશ 20 થી 40 રૂપિયાનો કિલો એ ભાવ વધારો થયો છે. અધૂરામાં પૂરું હોય તેમ, આ વખતે રસોડામાં બનતી દાળ, શાક સહિતની વાનગીઓમાં સ્વાદનો ઉમેરો કરતાં ધાણા અને જીરૂના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ધાણા 140 થી 150 રૂપિયે કિલો વહેંચાઈ રહ્યા હતા તેના આ વખતે ભાવ 160 થી 170 રૂપિયા થઈ ગયા છે. આવી જ રીતે જીરૂનો ભાવ ગત વર્ષે 240 થી 260 રૂપિયા હતો, તેનો ભાવ આ વખતે 260 થી 270 રૂપિયા બોલાઈ રહ્યો છે. આમ ધાણા અને જીરૂમાં પણ 20 થી 30 રૂપિયાનો ભાવ વધારો આ વખતે રસોડાની રાણીઓને મૂંઝવી રહ્યો છે.
જુનાગઢમાં છેલ્લા એકાદ માસથી સકરબાગ નજીક મરચા માર્કેટ ખુલી જવા પામી છે, ત્યારે અહીંના વેપારીઓના કહેવા મુજબ મરચામાં આવેલ તોતિંગ ભાવ વધારાના કારણે મહિલાઓ આ વખતે જરૂરિયાત કરતા ઓછું મરચું ખરીદી રહી છે. તેવી જ રીતે દાણાપીઠના મસાલાના વેપારીના જણાવ્યા મુજબ ખાસ કરીને હળદર અને ધાણા તથા જીરૂમાં 30 રૂપિયા કવોલેટી વાઈઝ ભાવ વધારો આવ્યો છે, જે સામાન્ય છે. પરંતુ મહિલાઓ ભાવ સાંભળી જરૂરિયાત છે એટલે કચવાતા મને હળદર અને રસોડામાં વપરાતા મસાલાઓની ખરીદી કરી રહી છે. આમ, ચૈત્ર અને વૈશાખ બે મહિનાઓમાં મહિલાઓ ઘઉં સાહિત્યના ધાન્ય અને ચટણી, હળદર તથા મસાલા આખા વર્ષના રસોડામાં ભરી લેતા હોય છે. પરંતુ એક તરફ ભડકે બળતા તેલના ભાવો, એમાં અધૂરામાં પૂરું હતું તેમ ગેસના ભાવમાં થયેલો વધારો, બાદ હવે મોઢાને તીખાશ આપતા મરચા એ પરસેવો વાળી દે તેવા ભાવ વધારી દેતા મહિલાઓ મુંજાણી છે. તો બીજી બાજુ, હળદર અને મસાલાના ભાવમાં પણ આવેલ આંશિક વધારાથી મહિલાઓનું આ વખતનું રસોડાનું બજેટ થોડું અસ્તવ્યસ્ત થવા પામ્યું છે.