ચૂંટણી અંર્તગત હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓને પકડી કાર્યવાહી કરવા આદેશ
ગુજરાત રાજ્યમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે આજે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા પોલીસ ભવન ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યમાં 1 એપ્રિલથી આચારસંહિતા અમલી બની છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને આખરી ઓપ આપવા માટે એડીજીપી (અઝજ) અમિત વિશ્ર્વકર્માની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આગામી 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની અને 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી બાદ 30 એપ્રિલ સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. રાજ્ય પોલીસ વડાશ્રીએ આદેશ આપ્યા છે કે તમામ યુનિટોએ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવા તથા મહત્તમ પાસા કેસો કરવા અને ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા માટે આદેશ કરાયો છે.
વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં કોમ્બિંગ કામગીરી સઘન કરવા અને ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના અપાઈ છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના 9000 જેટલા તાલીમબદ્ધ એલઆરડી રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં જોડવામાં આવશે. જે પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેઓને 24 કલાકમાં રિલીવ કરી નવી જગ્યાએ મતદાન કેન્દ્રો અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવા જણાવાયું છે. ખાસ કરીને નોન-બેલેબલ વોરંટ તાત્કાલિક બજાવવા આદેશ અપાયા છે. 2021ની ચૂંટણીમાં નોંધાયેલા ગુનાઓ, ખાસ કરીને દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે અને આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડાએ તમામ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે સંકલન જાળવી, વીઆઈપી સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. 15 એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા જ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. ગાંધીનગર સ્થિત ઈંઇની ટીમો પણ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને મતદારો કોઈપણ ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.