Jai Hind

શારીરિક અને માનસિક રોગોમાંથી મુક્તિ અપાવતી ‘નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર’નો કાલથી પ્રારંભ

ફેડરેશન ઓફ જામનગર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે આયોજિત આ શિબિરમાં પરમ આલયજીની વિશેષ ઉપસ્થિતિ; વિશ્ર્વભરમાં 10,000થી વધુ સફળ શિબિરો બાદ શહેરના આંગણે પ્રથમ વખત આયોજન

અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર અને આણંદ જેવા શહેરોમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા બાદ, જામનગરમાં પહેલી વાર સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ’નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આંગણે સૌપ્રથમ વખત યોજાવા જઈ રહેલી આ શિબિર આવતીકાલથી ઓશવાલ સેન્ટર ખાતે શરૂ થશે. આજે યોજાયેલી પ્રેસ પરિષદમાં આયોજકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફાઉન્ડેશન દ્વારા 10,000થી વધુ નિ:શુલ્ક શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક શિબિરમાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો છે. આ શિબિરો થકી લાખો લોકોએ પોતાના અસાધ્ય શારીરિક અને માનસિક રોગોમાંથી મુક્તિ મેળવી છે. આગામી 11 થી 16 એપ્રિલ, 2026 સુધી ચાલનારી આ શિબિરમાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વય થકી સ્વ-રૂપાંતરણ (સેલ્ફ ટ્રાન્સફોરમેશન) ના પ્રયોગો કરાવવામાં આવશે.
આ શિબિર માત્ર કોઈ પ્રવચન નથી, પરંતુ સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનના સચોટ પ્રયોગો પર આધારિત છે. કુલ 10 સત્રોમાં વિભાજિત આ શિબિરમાં 11 થી 13 એપ્રિલ દરમિયાન સવારે 6 થી 8 વાગ્યા સુધી ભૌતિક શરીરની શક્તિઓને વિકસિત કરવા માટેના પ્રયોગો પરમ મિત્ર દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ 14 થી 16 એપ્રિલ દરમિયાન પૂજ્ય પરમ આલયજીની દિવ્ય ઉપસ્થિતિમાં મનની શક્તિઓને જાગૃત કરવા માટેના (માઈન્ડ એવોકેનિંગ) વિશેષ સત્રો યોજાશે, જેમાં અચેતન અને સુપર-કોન્શિયસ મનને જાગૃત કરવાના સરળ પ્રયોગો શીખવવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેનાર સાધકો માટે શારીરિક કસરત અને ધ્યાન ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક આહારનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારના સત્ર પછી સાધકોની ભીતરની અદ્રશ્ય શક્તિઓને જગાડવા માટે 15 થી 20 આઈટમ વાળો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ’અદ્રશ્ય નાસ્તો’ પીરસવામાં આવશે.
આ આયોજનને સ્થાનિક અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય મહાનુભાવોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે. રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી ઉપરાંત જામનગરના અનેક જાણીતા વેપારીઓ ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાના આગેવાનો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રયોજક તરીકે જોડાયા છે.
આ આયોજનમા મુખ્ય પ્રાયોજક ફેડરેશન ઓફ જામનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રમુખ સંજયભાઈ ડોબરીયા, મુખ્ય આયોજક અગ્રણી ઉદ્યોગપતિ અતુલભાઈ કાછડીયા, શોષ્યલ એક્ટિવિષ્ટ આશાબેન કાછડીયા, વિગોર પ્લાસ્ટ ના જયેશભાઇ કથીરિયા, મનોજભાઈ વેકરીયા સહિત અન્ય કમિટી સહયોગીઓ દાતાશ્રીઓ સહીત પોતાની સવાઓ આપી રહ્યા છે. નગરજનો માટે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનો આ એક અનોખો સંગમ બની રહેશે.