બંધ બોડીની ટ્રકમાં 29243 બોટલ મળી આવી: ચુંટણી પહેલા સ્ટોક કરવા માલ મંગાવ્યો હતો! કુલ દોઢ કરોડનો મુદ્દામાલ કબજે
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મસમોટું ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે 1.59 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજ્યમાં દારૂ સપ્લાય કરવાના મોટા રેકેટને નિષ્ફળ બનાવ્યું છે.
જામનગરના પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર ગત મોડી રાત્રે જામનગર એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ‘ભારત બેન્જ’ કંપનીનો બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 29,243 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,39,79,800 થાય છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ચલાવતા રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી નામના 30 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોરબંદરના આદિત્યાણા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય આરોપીઓ અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે. પોલીસે આ રેઈડ દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલ સાધનો પણ જપ્ત કર્યા છે. જેમાં રૂપિયા 1.39 કરોડનો દારૂ, 20 લાખની કિંમતનો ટ્રક અને રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,59,84,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે.
જામનગર એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ તપાસમાં એ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે દારૂનો આટલો મોટો જથ્થો પરપ્રાંતના કયા રાજ્યમાંથી લોડ કરવામાં આવ્યો હતો . આ પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે વિગતો પણ તપાસમાં ખુલે તેવી શક્યતા છે. ફરાર આરોપીઓ ની ધરપકડ બાદ આ નેટવર્કનો મોટો ખુલાસો થઈ શકે છે.