Jai Hind

જયાં ઓબીસી વસતી નથી ત્યાં… ઓબીસી અનામત મામલે સ્થાનિક ચુંટણી સામે સુપ્રીમમાં સ્ટેની માંગ: આજે સુનાવણી


27 ટકા ઓબીસી અનામતના રોસ્ટરથી વિશાળ બિન અનામત વર્ગને નુકસાન: રીટ કરનાર પાટીદાર નેતા દિનેશ બાંભણીયા

ગુજરાતમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓમાં હવે ઉમેદવારી માટે આખરી 48 કલાક જ છે તે સમયે વધુ એક વખત ઓબીસી અનામત મુદે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે અને તેના પર કાલેજ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદે લડત આપનાર પાટીદાર નેતા એ તેની જાહેર હિતની અરજીમાં જણાવ્યું છેકે ઓબીસી અનામત સામે કોઈ વાંધો નથી પણ રોસ્ટર મુજબ જે બેઠકોમાં ઓબીસી સમુદાયની વસતિ નથી ત્યાં અનામત બેઠક આપી દેવાની બિન અનામત વર્ગને મોટો અન્યાય થયો છે. રાજય સરકારે યોગ્ય સર્વે વગર જ જે રીતે ઓબીસી અનામત બેઠક ફાળવી છે તેનાથી બિન અનામત વર્ગના માટે બહુ ઓછી બેઠકો ચુંટણી લડવા માટે ‘ફ્રી’ છે. જયારે આ બિન અનામત સમુદાયની વસતિ મોટી સંખ્યામાં છે જેથી તેઓને પુરતુ પ્રતિનિધિત્વ મળતુ નથી. હવે રાજયમાં ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે તે સમયે જ આ અંગે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે તેના પર નજર છે.
રાજય સરકારે જે ઝવેરી પંચની રચના કરી હતી તેના રિપોર્ટના આધારે આ અનામત ફાળવાઈ છે. જો કે ગુજરાત હાઈકોર્ટમાં બાંભણીયાએ આ રોસ્ટર પ્રક્રિયા અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા અને ઝવેરીપંચનો રિપોર્ટ જાહેર કરવા માંગ કરી હતી તો સરકારે આ પ્રકારે રિપોર્ટ જાહેર કરવો બંધારણીય જરૂરિયાત નથી. તેઓ જવાબ આપ્યો હતો અને તે બાદ ગુજરાત સરકારે ચુંટણી સામે ‘સ્ટે’ આપવાનો ઈન્કાર કર્યો હતો જેની સામે બાંભણીયાએ હવે સુપ્રીમમાં અરજી કરી છે. એક અન્ય પથુજી ઠાકોરે પણ આ રીતે કરેલી અરજી નકારાઈ હતી. અગાઉ હાઈકોર્ટ સમક્ષ રજુઆત થઈ હતી કે ઓબીસી અનામત માટે ટ્રીપલ ટેસ્ટનો જે સુપ્રીમ કોર્ટે માર્ગરેખા જાહેર કરી છે અને લોકલ ડેટાના આધારે જ અનામત આપી શકાશે તે નિશ્ર્ચિત કર્યુ છે તેનો અમલ થયો નથી. જો કે હાઈકોર્ટે ‘સ્ટે’ આપવાનો ઈન્કાર કર્યો હતો.
ચુંટણી પ્રક્રિયા શરૂ: સુપ્રીમ ‘સ્ટે’ આપે તેવી શકયતા નહીવત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચુંટણીમાં ઓબીસી અનામતનો મુદો ફરી ચગ્યો છે અને જે રીતે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ સુપ્રીમમાં રીટ કરી ‘સ્ટે’ માંગ્યો છે પણ એક વખત ચુંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ સર્વોચ્ચ અદાલત તેમાં ભાગ્યે જ દરમ્યાનગીરી કરે છે અને તેથી કાલની સુનાવણીમાં ‘સ્ટે’ મળવાની શકયતા નહીવત હોવાનું કાનુની નિષ્ણાંતો માની રહ્યા છે.