Jai Hind

જામનગરની વેદાંશી મહેતાને રાજ્યકક્ષાની શતસુભાષિત પંડિત પદવી પ્રાપ્ત

ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં 21 હજારની સન્માન રકમ સાથે સન્માનિત

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 28 માર્ચ, 2026 ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ ના નિવાસસ્થાન લોકભવનમાં સંપૂર્ણ ગીતા કંઠપાઠ અને શતસુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યકક્ષા નો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓને ગીતા ભૂષણ અને શતસુભાષિત પંડિત જેવી ગૌરવસભર પદવીઓ એનાયત કરવામાં આવી. રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલીવાલ સહિતનાઓ ના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે મૂળ અમદાવાદના વતની અને હાલ જામનગર ખાતે વસવાટ કરતા દીપલબેન તથા કૈરવભાઈ મહેતા ની પુત્રી કુમારી વેદાંશી મહેતા એ શતસુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ શતસુભાષિત પંડિત પદવી પ્રાપ્ત કરી છે. વેદાંશીએ સો સુભાષિતોનું સ્વચ્છ ઉચ્ચારણ, યોગ્ય અર્થ અને સુંદર છંદમાં રજૂઆત કરીને વિશેષ પ્રતિભા દર્શાવી હતી. આ સાથે તેને રૂપિયા 21000 ની સન્માન રકમ પણ એનાયત કરવામાં આવી હતી. નંદ વિદ્યાનિકેતન શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વેદાંશીએ પોતાની સિદ્ધિ માટે પ્રભુ કૃપા, વડીલોનો આશીર્વાદ અને પોતાના સતત પ્રયત્નોને કારણભૂત ગણાવ્યા. બાળપણથી જ હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે વિશેષ રસ ધરાવતી વેદાંશીએ રાજ્યકક્ષાએ સન્માન મેળવી કુટુંબ તેમજ જામનગર શહેરનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવ્યું છે.