Jai Hind

રાજયમાં 4 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ રાજકોટ 41.7 ડીગ્રીએ સૌથી ગરમ શહેર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હોટ એન્ડ હયુમીડનું હવામાન વિભાગનું એલર્ટ

રાજયમાં લાંબા સમય સુધી ચાલેલી મિશ્ર ઋતુ બાદ હવે સતાવાર ઉનાળાનો આક્રમક મીજાજ બતાવવાનું શરૂ કર્યુ છે.
રાજયના હવામાન વિભાગ દ્વારા દરીયાકાંઠા વિસતારોમાં હોટ એન્ડ હયુમીડ એલર્ટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. રાજકોટ 41.7 ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે. જયારે રાજયના 6 શહેરનું તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં એપ્રિલ માસના મઘ્યભાગથી ગરમીનો પારો વધશે. બે દિવસમાં તાપમાનમાં 4 ડીગ્રીનો વધારો થશે. દરીયાકાંઠાના વિસ્તારો માટે હોટ એન્ડ હયુમીડ એલર્ટ જાહેર કર્યુ છે. તા.1ર થી 16 એપ્રિલ સુધી રાજયમાં ગરમીનો પ્રકોપ રહેશે.
આગામી સાત દિવસ રાજયમાં હવામાન સંપુર્ણ સુકુ રહેશે. માવઠાની શકયતા નથી.
રાજકોટ શહેરમાં ગુરૂવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગુરૂવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રવિવારે રાજકોટમાં તાપમાનનો પારો 41 ડીગ્રીને પાર થયો છે. જયારે અમદાવાદ-ભુજ અને કંડલામાં પારો 40.7, બરોડામાં 40.4 અને ગાંધીનગરમાં 40.ર ડીગ્રી તાપમાન નોંધાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં થયેલા માવઠાના કારણે એપ્રિલના બીજા સપ્તાહ સુધી તાપમાન સામાન્ય રહયું હતું. રાજયના અનેક શહેરોમાં પારો 40 ડીગ્રીની નીચે રહયો હતો. જે ગત વર્ષોની સરખામણીમાં ઘણી રાહત આપનારૂ હતું. પરંતુ હવે એપ્રિલનું બીજુ પખવાડીયુ શરૂ થતા જ સુર્યદેવ લાલચોળ થયા છે.