Jai Hind

લોકશાહીમાં નારી શક્તિનો નવો અધ્યાય શરૂ થશે 33% અનામતથી સંસદમાં મહિલાઓની શક્તિ વધશે: જીતુભાઈ વાઘાણી

ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા ઐતિહાસિક નારી શક્તિ વંદના અધિનિયમ અંગે જનજાગૃતિ લાવવા માટે ભાવનગર ખાતે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને ભાજપ શહેર પ્રમુખ કુમારભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત મહિલાઓના સશક્તિકરણ માટે આટલો મહત્વપૂર્ણ અને દુરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 16, 17 અને 18 એપ્રિલના રોજ ભારતની સંસદમાં નારી શક્તિ વંદના અધિનિયમ અંગે ખાસ ચર્ચા થવાની છે ભારતની મહિલા એ દેશનું ગૌરવ છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 33 ટકાથી વધારી 50 ટકા અનામત આપવાનો નિર્ણય નારી સશક્તિકરણ માટે માઈલસ્ટોન સાબિત થયો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ડ્રોન દીદી, લખપતિ દીદી, મુદ્રા યોજના, 181 મહિલા હેલ્પલાઇન તેમજ શિક્ષણક્ષેત્રે નમો લક્ષ્મી જેવી વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવામાં આવી છે. જેના પરિણામે આજે મહિલાઓ ખેલકૂદ, વિજ્ઞાન અને અવકાશ સહિત દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, નારી શક્તિ વંદના અધિનિયમ 21મી સદીનો એક ઐતિહાસિક અને પરિવર્તનકારી નિર્ણય છે, જે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપીને તેમની લોકશાહીમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ જોગવાઈ 2029ની લોકસભા ચૂંટણીથી અમલમાં આવશે. મંત્રીશ્રીએ આ પ્રસંગને ક્રાંતિકારી ગણાવી સમગ્ર દેશ અને રાજ્યની મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે આ અધિનિયમની માહિતી વ્યાપક સ્તરે પહોંચાડવા અને મહિલાઓના સશક્તિકરણ માટે સૌએ સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કર્યું હતું.