એક વર્ષમાં થતો ભાવવધારો માત્ર દોઢ મહિનામાં જ થઇ ગયો
વિધાનસભા ચૂંટણીઓ ખત્મ થયા બાદ સરકાર પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો ઝીંકે તો આવતા દિવસોમાં મોંઘવારી વધુ ભડકવાની આશંકા
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેના ભયાનક યુધ્ધમાં હાલ ભલે સીઝફાયર હોય પરંતુ ભારતીયોના રસોડાના બજેટ સળગી જ ગયા છે. યુધ્ધને કારણે રાંધણગેસ, ખાદ્યતેલ, ડ્રાયફ્રૂટ, પ્લાસ્ટીક તથા પેકેજીંગ મટીરીયલ્સ સહિતની ચીજવસ્તુઓ મોંઘી થતાં રસોડાનો ખર્ચ 15 થી 20 ટકા વધી ગયો છે. અત્યાર સુધી રાંધણગેસ, ડ્રાયફ્રૂટનો ભાવવધારો હતો. હવે ધીમે ધીમે હળદર, જીરૂ, મસાલા પ્રોડક્ટ પણ મોંઘી થવા લાગી છે. રસોડાની 25 જેટલી ચીજો મોંઘી થઇ છે.
યુધ્ધને કારણે ખાદ્યચીજોમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ જાળવવાનું મુશ્કેલ થઇ ગયું છે. કરિયાણાના વેપારીઓના કહેવા પ્રમાણે ખાદ્યતેલો તથા ડ્રાયફ્રૂટસના ભાવવધારાનું કારણ યુધ્ધ ગણવામાં આવતું હતું. ભારતમાં સૌથી મોટો વપરાશ પામતેલનો છે. સપ્લાયમાં વિક્ષેપ તથા વિશ્ર્વબજારમાં તેજી થતાં ઘરઆંગણે પણ ભાવ વધી ગયા છે. અન્ય ખાદ્યતેલોમાં પામતેલના મિશ્રણની છુટ્ટ છે એટલે તે પણ મોંઘા થયા છે. સરસવ, સૂર્યમુખી, કપાસિયા, મગફળીના તેલના ભાવ વધી ગયા છે.
આ સિવાય યુધ્ધને કારણે ઉત્પાદન સહિતના અનેકવિધ પડકારોને કારણે પ્લાસ્ટીક તથા તેનાથી ઉત્પાદિત પેકેજીંગ મટીરીયલ્સ મોંઘા થતાં અન્ય ચીજોમાં પણ સરેરાશ 15 ટકાનો ભાવવધારો થયો છે.
એવી શંકા સેવવામાં આવી રહી છે કે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલીયમ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ, સીએનજી તથા પીએનજીમાં ભાવવધારો કરશે તેનાથી પરિવહન મોંઘુ થશે અને ઉત્પાદન ખર્ચ પર તેની અસર આવતા લગભગ તમામ ચીજોમાં વધુ ભાવવધારો થઇ શકે છે.
જેેએનયુના સેન્ટર ફોર ઇકોનોમિક્સ સ્ટડીઝ એન્ડ પ્લાનિંગના અર્થશાસ્ત્રી ડો. અશોકકુમારે કહ્યું કે અમેરિકા-ઇરાન યુધ્ધની અસર આવશ્યક ચીજો પર પડી રહી છે અને તેને કારણે મોંઘવારી દરમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં સરેરાશ ફુગાવો ચાર ટકા આસપાસ હતો. અર્થાત એક વર્ષમાં ચાર ટકાનો ભાવવધારો થતો હતો તેના બદલે છેલ્લા દોઢ મહિનામાં જ મોંઘવારીમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે. એક વર્ષની મોંઘવારી દોઢ જ મહિનામાં વધી ગઇ છે. મગફળી, રીફાઇન્ડ તેલ, ચોખા, જીરૂ, ધાણા, મરચા પાવડર, હળદર સહિતની ચીજો મોંઘી બની છે.
રસોડામાં વપરાતી 25 જેટલી ચીજો મોંઘી: ગૃહિણીઓના બજેટ વેરવિખેર: રાંધણગેસ, ખાદ્યતેલ, ડ્રાયફ્રુટ, મસાલા, પેકેજીંગ મટીરીયલ્સ જેવી ચીજોનો ખર્ચ વધ્યો
સેવાક્ષેત્રે પણ બોજ
- ઉત્તર પ્રદેશ રોડવેઝ દ્વારા બસ ભાડામાં 1 થી 6 રૂપિયાનો વધારો કરાયો. અન્ય અનેક રાજ્યોમાં ભસભાડા વધી ગયા.
- મકાનભાડામાં 5 થી 10 ટકા વૃદ્ધિ
- સ્વીગી તથા ઝોમેટોએ પ્લેટફોર્મ ચાર્જમાં સરેરાશ 17 ટકાનો વધારો કર્યો.
- સિમેન્ટ કંપનીઓએ 50 કિલોની થેલી પર 15 થી 20 રૂપિયા વધાર્યા.
- ટાઇલ્સ કંપનીઓમાં ઉત્પાદન ઠપ્પ અને કિંમતમાં 10 ટકાનો વધારો
- સ્ટીલની કિંમતમાં પણ પ્રતિ ટન 300થી 500નો ભાવવધારો.
જથ્થાબંધ ફુગાવો 3 માસના ટોચે
ક્રૂડતેલમાં ભાવવધારાની અસર હેઠળ રાંધણગેસ સહિતની શ્રેણીબધ્ધ ચીજવસ્તુઓ મોંઘી થઇ જવાની અસર હેઠળ ભારતમાં જથ્થાબંધ ફુગાવાનો દર છેલ્લા 38 મહિનાના ટોચે પહોંચી ગયો હતો. માર્ચ મહિનાનો જથ્થાબંધ ફુગાવો 3.88 ટકા જાહેર થયો હતો. જે ફેબ્રુઆરી2.13 ટકા હતો. એક જ મહિનામાં 1.75 ટકાની વૃદ્ધિ થઇ હતી. ખાદ્યચીજો ઉપરાંત અન્ય માલસામાન મોંઘો થવાને કારણે સતત પાંચમા મહિને મોંઘવારીમાં વધારો થયો હતો. અર્થશાસ્ત્રીઓએ ફુગાવો 3.04 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું પરંતુ તેનાથી પણ ઉંચો રહ્યો છે.