Jai Hind

ગાંધીધામમાં ફેસબુક મિત્રએ લગ્નની લાલચ આપી મહીલા સાથે લાખોની ઠગાઇ આચરી

રોકડ અને દાગીના સહિત 1.84 લાખનો મુદ્દામાલ લઇ રાજસ્થાની શખ્સ ફરાર

સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો ગાંધીધામમાં પ્રકાશમાં આવ્યો છે. ફેસબુક પર ’હર્ષ શર્મા’ નામના શખ્સ એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેની પાસેથી આશરે 1.84 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ભાગી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એ-ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર મહિલા એક મહિના પહેલા ફેસબુક દ્વારા રાજસ્થાનના રહેવાસી હોવાનો દાવો કરતા હર્ષ શર્માના સંપર્કમાં આવી હતી. હર્ષે તેણીને લગ્નનો વિશ્વાસ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ગત 14 એપ્રિલના હર્ષે મહિલાને ગાંધીધામ મળવા બોલાવી ઘરે રાખેલા તમામ સોના-ચાંદીના દાગીના તથા રોકડ સાથે લાવવા જણાવ્યું હતું. મહિલા પોતાના ઘરેથી દાગીના અને 11,000 રોકડા લઈને ગાંધીધામ બસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં હર્ષ શર્મા તેના એક અન્ય મિત્ર સાથે તેને મળ્યો હતો. ત્યારબાદ તેઓ બસ સ્ટેશન સામે આવેલી ગોકુલ હોટલમાં રોકાયા હતા. હર્ષ મહિલાને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે દાગીના તેની પાસે સુરક્ષિત રહેશે. રાત્રિના સમયે હર્ષે મહિલાનો મોબાઈલ ફોન પણ લોકેશન સેટિંગ કરવાના બહાને લઈ લીધો હતો. હર્ષ અને તેનો મિત્ર મહિલાને હોટલ પર મુકીને બસ સ્ટેશનની પૂછપચ્છ કરવા જવાનું કહીને ફરાર થઈ ગયા હતા. મોડી સાંજ સુધી હર્ષ પરત ન આવતા અને તેનો ફોન વ્યસ્ત આવતા મહિલાને શંકા ગઈ હતી. હોટલના રિસેપ્શન પર તપાસ કરતા જાણવા મળ્યું કે બંને શખ્સો હોટલમાંથી ચેક-આઉટ કરી ચુક્યા છે. 1,67,900 ના દાગીના, 11 હજાર રોકડા અને મોબાઈલ મળી 1,83,900 ની મત્તા લઈને બન્ને જણા ભાગી ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હર્ષ શર્મા તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ રાકેશ સત્યનારાયણ છે અને તે રાજસ્થાનના કિશનગઢનો રહેવાસી ળ. ગાંધીધામ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.