એનએસઇનો રીપોર્ટ: 46 લાખ ઇન્વેસ્ટરોએ ઓછામાં ઓછુ એક વખત ટ્રેડિંગ કર્યું
ભારતીય શેરબજારમાં કેટલાંક વખતથી ભલે અનિશ્ર્ચિતતાનો તબકકો હોય છતાં ઇન્વેસ્ટરોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશનું સૌથી મોટું રાજ્ય બન્યું છે. સક્રિય ઇન્વેસ્ટરો તથા ટ્રેડિંગ ટર્નઓવરમાં ગુજરાત બીજા સ્થાને છે.
નેશનલ સ્ટોક એક્સચેંજના રીપોર્ટ પ્રમાણે 2025-26ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાંથી 46 લાખ ઇન્વેસ્ટરોએ શેરબજારમાં ઓછામાં ઓછુ એક વખત ટ્રેડિંગ કર્યું હતું જે દેશના કુલ સક્રિય રોકાણકારોમાં 12.5 ટકા થવા જાય છે. આ ઇન્વેસ્ટરોએ કેશ માર્કેટમાં કુલ 18.5 લાખ કરોડનું ટર્નઓવર કર્યું હતું.
ગુજરાતમાંથી નેશનલ સ્ટોક એક્સચેંજમાં કુલ 1.10 કરોડ ઇન્વેસ્ટરો નોંધાયેલા છે તેમાંથી 46 ટકાએ વર્ષમાં ઓછામાં ઓછો એક વખત ટ્રેડિંગ કર્યું હતું. કેશ માર્કેટના ટર્નઓવરમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતનો દબદબો હતો. મહારાષ્ટ્રમાંથી કેશ માર્કેટમાં 33 લાખ કરોડનું હતું જે દેશના કુલ ટર્નઓવરમાં અનુક્રમે 19 ટકા તથા 10.6 ટકા થવા જાય છે. આ બે રાજ્યો બાદ ટોપ-ફાઇવમાં ઉતર પ્રદેશ, કર્ણાટક તથા દિલ્હીનો વારો આવે છે. કેશ માર્કેટના કુલ ટર્નઓવરમાં અડધો અડધ હિસ્સો આ પાંચ રાજ્યોનો હતો.
ગુજરાતમાં સક્રિય ઇન્વેસ્ટરોની સંખ્યા 46.1 લાખ નોંધાઇ હતી અને તેના આધારે એનએસઇ કેશ સેન્મેન્ટમાં ભાગીદારીમાં ગુજરાત બીજા નંબરે હતું. 16.6 ટકા સાથે મહારાષ્ટ્ર મોખરે હતું. ગુજરાતની ટકાવારી 12.5 ટકા હતી. શેરબજારોના કહેતા પ્રમાણે ગુજરાતનું ટોક-ટુમાં સ્થાન સ્વાભાવિક છે કારણ કે રોકાણ સહિતના ક્ષેત્રો ગુજરાતીઓના લોહીમાં છે. માર્કેટમાં અનિશ્ર્ચિતતા કે ઉથલપાથલ હોય તો પણ ગુજરાતમાંથી વેપારની સક્રિયતા ઓછી થતી નથી. આવા તબકકાને તક પાણીને વધુ રોકાણ કરવા પ્રેરાય છે.ગુજરાતમાં જિલ્લા સ્તરે અમદાવાદમાં સૌથી વધુ 10.4 લાખ સક્રિય ઇન્વેસ્ટરો નોંધાયા હતા. મહાનગર મુંબઇમાં 12 લાખ પછી અમદાવાદ બીજા ક્રમે રહ્યું હતું.