Jai Hind

ગોંડલ અને રાજકોટના કલાકારોએ આદિવાસી સંસ્ક્ૃતિને જીવંત કરી

ચિત્રોના વેચાણની આવક આદિવાસી ઉત્કર્ષ માટે વપરાશે: ડાંગના વાસુરણા ગામે આર્ટ કેમ્પ યોજાયો

ડાંગના કુદરતી સાનિધ્યમાં કલા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તાજેતરમાં 16 થી 19 એપ્રિલ દરમિયાન ’કલા પ્રતિષ્ઠાન-સુરત’ દ્વારા ડાંગના વાસુરણા ગામ ખાતે એક વિશેષ આર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલા અંદાજે 50 જેટલા નામી કલાકારોએ ભાગ લીધો હતો.
આ આર્ટ કેમ્પમાં રાજકોટ જિલ્લામાંથી ગોંડલના જાણીતા ચિત્રકાર ભરતભાઈ તલસાણીયા તેમજ રાજકોટથી સુરેશભાઈ રાવલ, અશ્વિનભાઈ, તુષારભાઈ અને રાજનભાઈને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કલાકારોએ ડાંગના આદિવાસીઓના રીત-રિવાજો, તેમની વિશિષ્ટ જીવનશૈલી, પરંપરાગત ઘરો અને પહેરવેશની ઊંડી જાણકારી મેળવી હતી. કલાકારોએ પોતાની કુશળતાથી વોટર કલરના માધ્યમ દ્વારા ડાંગની સંસ્કૃતિને કાગળ પર જીવંત કરી હતી.
આ સમગ્ર આયોજનમાં વાસુરણા સ્થિત ’તેજસ્વિની ધામ’ના બ્રહ્મવાદિની પૂજ્ય હેતલદીદીનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. આશ્રમ દ્વારા કલાકારો માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ચાર દિવસીય કેમ્પ દરમિયાન તૈયાર થયેલા તમામ પેઇન્ટિંગ્સનું એક ભવ્ય પ્રદર્શન આગામી મે માસમાં સુરત ખાતે યોજવામાં આવશે. આ પ્રદર્શનમાં જે ચિત્રોનું વેચાણ થશે, તેમાંથી થનારી તમામ આવક આદિવાસી સમાજના ઉત્થાન અને લોકકલ્યાણના કાર્યો માટે વાપરવામાં આવશે.
ડાંગની ધરા પર કલાકારોના કસબ અને સામાજિક સેવાની આ પહેલને કલાજગતમાં ભારે બિરદાવવામાં આવી રહી છે.