સારંગપુર દાદાના દર્શન કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
સારંગપુરમાં મુખ્યમંત્રીના આગમન પ્રસંગે સમગ્ર વિસ્તાર આનંદ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યો. આ પવિત્ર પ્રસંગે રોહીશાળા આવડખોડલ જન્મભૂમિ ધામના મહંત મહેશગીરી બાપુએ સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગોથી રંગી દીધો હતો.
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPS સ્વામિનારાયણ મંદિરનો 110મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આજથી બરાબર 110 વર્ષ પૂર્વે સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ ભવ્ય શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરી હતી. ગુજરાતના ઊંચા અને ભવ્ય મંદિરોમાં અગ્રિમ સ્થાન ધરાવતું આ ઐતિહાસિક મંદિર આજે લાખો હરિભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પરમ કેન્દ્ર બની ચૂક્યું છે.
વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને પાટોત્સવ વિધિનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટોત્સવની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થયા બાદ, ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની દિવ્ય આરતીના દર્શન કરી ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સારંગપુર મંદિરના આ ઐતિહાસિક અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન,સાંજે મુખ્યમંત્રીએ સારંગપુર સ્થિત ઇઅઙજ ’સંત પ્રશિક્ષણ કેન્દ્ર’ ના 350થી વધુ નવયુવાન સંતો તેમજ સંસ્થાના વરિષ્ઠ સંતો સાથે એક અત્યંત પ્રેરક ’સંવાદ-ગોષ્ઠી’ યોજી હતી. સંતો અને મુખ્યમંત્રી વચ્ચેનું આ આદાન-પ્રદાન અત્યંત યાદગાર અને મહત્વપૂર્ણ બની રહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ ગુજરાત રાજ્યની સર્વાંગી પ્રગતિ, સુરક્ષા અને તમામ નાગરિકોની સુખાકારી માટે મુખ્યમંત્રીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા.