Jai Hind

મુળી-થાન રોડ ઉપર બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત આધેડ અને યુવતીનું મોત

રખડતા ઢોરને કારણે છાશવારે અકસ્માત સર્જાય છે

દિનપ્રતિદિન અકસ્માત ઝોન બનતા જતા સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યકિતનો ભોગ લેવાયો હતો. મુળી-થાન રોડ બાઇક અને રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક આધેડ અને એક યુવતિનાં મોત નિપજયા હતા.
આ અંગેની મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા અને જિલ્લા મથકે રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ રહ્યો છે કે રોજબરોજ રખડતા પશુઓ સાથે વાહનો ના અકસ્માત સર્જાય છે અને અનેક લોકોને ઈજા પણ થાય છે અને ક્યારેક ક્યારેક મોટા અકસ્માતમાં લોકોને જાન ગુમાવવાનો પણ વારો આવતો હોય છે.
ત્યારે આવો જ બનાવો ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે બનવા પામ્યો છે જેમાં મૂળી-થાન રોડ ઉપરએક ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા છે. ખાખરાળા બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર અચાનક ખુંટીયો આડો આવતા બાઇક અને રીક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. મૃતકોમાં રૂપાવટી ગામના કાળુભાઈ લાબરીયા (ઉ.વ. 55) અને ભાવુબેન લાબરીયા (ઉ.વ. 25)નો સમાવેશ થાય છે.
રાજકોટના બંધીયા ગામના મગનભાઈ બચુભાઈ પરમાર પોતાનું બાઇક લઈને વગડીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ખાખરાળા બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર અચાનક એક ખુંટીયો આવી ગયો હતો. ખુંટીયાને બચાવવા જતા મગનભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા તેમનું બાઇક સામેથી આવતી એક રીક્ષા સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી
કે બાઇક અને રીક્ષા બંને રોડ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર કાળુભાઈ ઇન્દુભાઈ લાબરીયા અને ભાવુબેન લાખાભાઈ લાબરીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. જોકે, સારવાર દરમિયાન કાળુભાઈ અને ભાવુબેન બંનેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.