Jai Hind

જીટીયુમાં વર્લ્ડ આઈપી ડે પૂર્વે વુમન ઈન આઈપી સંવાદ યોજાયો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), અમદાવાદ ખાતે તા. 17 એપ્રિલ 2026ના રોજ એઆઈપીએલએ વુમન ઇન આઈપી લો ગ્લોબલ નેટવર્કિંગ ઈવેન્ટ 2026 સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રૂટેડ ઇન ધ રિયલ – વુમન ઇન આઈપી રીડિફાઇનિંગ ધ નેરેટિવ થીમ હેઠળ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ બૌદ્ધિક સંપત્તિ (આઈપી) ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ વચ્ચે અર્થપૂર્ણ ચર્ચા અને નેટવર્કિંગને પ્રોત્સાહિત કરવાનો હતો.કાર્યક્રમમાં અકાદમિક ક્ષેત્ર, સંશોધન, ઇન્ડસ્ટ્રી તેમજ વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે વિચારોના સક્રિય આદાનપ્રદાન માટે ઉત્તમ માહોલ સર્જાયો હતો.
આ પહેલ જીટીયુના કુલપતિ ડો. રાજુલ ગજ્જર અને રજિસ્ટ્રાર ડો. કે. એન. ખેરના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે, જે બૌદ્ધિક સંપત્તિ અંગે જાગૃતિ અને સક્રિય ભાગીદારી દ્વારા નવીનતાને મજબૂત બનાવવા તરફ કેન્દ્રિત છે. આ કાર્યક્રમ માટે ડો. રાજેશ ઠક્કર, ઇન-ચાર્જ, ડીપીઆઈઆઈટી-સ્પ્રીહા આઈપીઆર ચેર, દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન જીટીયુના આઈપીઆર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. જીટીયુનું આઈપીઆર ઇકોસિસ્ટમ તેની ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) માન્યતા પ્રાપ્ત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર (જીટીયુ વેન્ચર્સ-આઈપીએફસી) દ્વારા વધુ સશક્ત બન્યું છે, જે તેના અકાદમિક નેટવર્કમાં આઈપી જાગૃતિ, ફાઇલિંગ સુવિધા અને ઇનોવેશન આધારિત ઉદ્યોગસાહસિકતાને સક્રિય રીતે પ્રોત્સાહિત કરે છે.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એક રસપ્રદ પેનલ ડિસ્કશન રહ્યું, જેનું સંચાલન ડો. ક્ષિપ્રા ચૌહાન, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ઇન-ચાર્જ, જીટીયુ-આઈપીએફસી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પેનલમાં પ્રતિષ્ઠિત નિષ્ણાતો જેમ કે શ્રીમતી ગોપી ત્રિવેદી (સીનિયર પાર્ટનર, વાય. જે. ત્રિવેદી એન્ડ કો.), ડો. ગુંજન ચાવલા અરોરા (આસિસ્ટન્ટ પ્રોફેસર, નિર્મા યુનિવર્સિટી), શ્રીમતી મનીષા તિવારી (હેડ, આઈપી લિટિગેશન, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ) અને શ્રીમતી પંક્તિ મિસ્ત્રી (મેનેજર, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન) એ ભાગ લીધો હતો.