Jai Hind

ઉમેદવારો માટે આજે કતલની રાત, કાલે ભાવી ઈવીએમમાં કેદ

સભા-સરઘસ-રેલી સહિત પ્રચારના પડઘમ શાંત, માત્ર ડોર ટુ ડોર પ્રચારની જ રહેશે છૂટ

મતદાન પૂર્વે મતદારોને રિઝવવા તમામ પક્ષો હુકમના એક્કા જેવા અનેક વચનો છેલ્લી ઘડીએ અજમાવી રહ્યા છે

સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 731 બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ હોય 15 લાખ લોકોનો મતાધિકાર બિનહરીફ પોલીટીક્સએ છીનવ્યો

ગુજરાતમાં 26 એપ્રિલ, રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. લોકતાંત્રિક વ્યવસ્થાના ભાગરૂપે આજે શુક્રવાર સાંજે 6 વાગ્યાથી ઉમેદવારો અને રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, અને 48 કલાકનો ’શાંતિ સમય’ શરૂ થયો છે.
15 લાખ મતદારો મતાધિકારથી વંચિત :
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 731 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. ઊંઝા અને ગણદેવી જેવી નગરપાલિકાઓના નવ વોર્ડના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે પાલિકાના ત્રણ લાખ મતદારો મતદાન કરી શકશે નહીં. બીજી તરફ, ગ્રામીણ ક્ષેત્રોમાં જિલ્લા પંચાયતની એક બેઠક હેઠળ તાલુકા પંચાયતોની તમામ બેઠક બિનહરીફ હોય તેવા 16 જેટલા મતદાર મંડળો છે, જેથી ત્યાંના 13 લાખ મતદારો પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. આ રીતે કુલ 15 લાખથી વધુ મતદારો રવિવારે ચૂંટણી હોવા છતાંયે વોટ આપી શકશે નહીં.
આ ચૂંટણીની સૌથી મોટી અને ચોંકાવનારી બાબત છે કે આશરે 15 લાખથી વધુ મતદારોને મતદાન કરવાનો મોકો મળશે નહીં. જોકે, જે શહેરી સંસ્થામાં સમગ્ર વોર્ડ બિનહરીફ જાહેર થયો નથી ત્યાં મતદારોને એક, બે કે ત્રણ ઉમેદવારો ચૂંટવાની તક મળશે.
શહેરી અને ગ્રામીણ મતદારો માટે મતદાનના નિયમો :
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શહેરી મતદારો: રાજ્યના 1.40 કરોડ શહેરી મતદારોએ પાલિકાઓમાં વધુમાં વધુ ચાર વોટ આપ્યા પછી ઊટખમાં પાંચમું ’રજિસ્ટ્રેશન’ (મતદાનની નોંધણી) બટન ફરજિયાતપણે દબાવવાનું રહેશે.
ગ્રામીણ મતદારો: ગ્રામીણ ક્ષેત્રમાં 2.61 કરોડથી વધારે નાગરિકોને મતાધિકાર ઉપલબ્ધ છે. આ મતદારોએ તાલુકા અને જિલ્લા પંચાયતના બંને પ્રતિનિધિઓ ચૂંટવા માટે એક જ મતદાન કેન્દ્રમાં બે અલગ-અલગ બુથમાં (મતદાન કુટીરમાં) જઈને મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે. આ વખતે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશન, 17 નવી તાલુકા પંચાયતો, એક નવો જિલ્લો અને 27 ટકા અનામત સાથે નવા સીમાંકન અમલમાં આવ્યા છે. છતાંય 2021 ની સરખામણીમાં આ વખતની ચૂંટણી હરિફાઈની દ્રષ્ટિએ થોડી નિરસ જણાય છે. વર્ષ 2021 માં કોવિડ-19 ની મહામારી વચ્ચે પણ 8,809 બેઠકો સામે કુલ 24,438 ઉમેદવારો મેદાને હતા.

કુલ મતદારો અને ઉમેદવારોનું ચિત્ર
રાજ્યમાં જઈંછ પછી કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 74.74 લાખ ઘટીને 4.40 કરોડે પહોંચી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારે 4.18 કરોડથી વધારે મતદારો અધિકૃત કરાયા હતા. પરંતુ બિનહરિફ બેઠકો પર મતદાન બંધ રહેતા, હવે માત્ર 4.02 કરોડ નાગરિકો જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ કુલ 9,273 બેઠકો માટે મતદાન યોજાશે, જેની સામે 25,551 ઉમેદવારો સ્પર્ધામાં છે. આ સ્પર્ધામાં મુખ્ય પક્ષોના ઉમેદવારોની સંખ્યા આ મુજબ છે:
ભારતીય જનતા પાર્ટી 9,268 ઉમેદવાર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 8,476 ઉમેદવાર
આમ આદમી પાર્ટી 5,276 ઉમેદવાર