Jai Hind

રાજકોટમાં 42.8, અમરેલીમાં 42.5, અમદાવાદમાં 41.5 અને ભૂજમાં 41.2 ડિગ્રીએ પહોંચ્યુ તાપમાન

આકરી ગરમી પડતા રસ્તાઓ સુમસામ બન્યા, અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા લોકોએ ટોપી, ચશ્મા, ગમછાનો સહારો લીધો

ગઈકાલથી રાજયમાં ઠેર ઠેર તાપમાન ઉંચકાવા લાગ્યું છે. સાથો સાથ આગ ઝરતી લૂં પણ અકળાવા લાગી છે. ત્યારે રાજકોટમાં આજરોજ બપોરે પણ ગઈકાલની જેમ આકરો તાપ અને આગ ઝરતી લૂનું સામ્રાજય ફેલાઈ જતા નગરજનો ત્રસ્ત બની ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 42.2 ડિગ્ર નોંધાયુ હતું અને મધ્ય બપોરે વધીને પારો 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જયારે આજે બપોરે અઢી કલાકે જ રાજકોટનું તાપમાન 42.8 સુધી પહોંચી જતા આજે શહેરમાં 43 ડિગ્રી મહતમ તાપમાન નોંધાય તેવી પૂરી શકયતા છે. આ સાથે બપોરે પવનની ઝડપ પણ 12 કિ.મી. સુધી થ જતા આકરા તાપ સાથે ભયાનક લૂંએ લોકોને દઝાડયા હતા. આજરોજ બપોરે પણ સૂર્યદેવતાએ રૌદ્રસ્વરૂપ યથાવત રાખતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બપોરે 2-30 કલાકે હવામાં ભેજ પણ સાવ ઘટીને 18 ટકા થ જતા ગરમીનો અહેસાસ વધુ આકરો થયો હતો. દરમ્યાન આજરોજ સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 27.6 અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયુ હતું. જયારે સવારે હવામાં ભેજ 73 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. નોંધા હતી.
ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે તા.26 સુધી કાળઝાળ ગરમીની આગાહી કરી છે અને અનેક સ્થળે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી કરી છે.
આ ઉપરાંત અમદાવાદમાં 41.પ, ગાંધીનગરમાં 40, વડોદરામાં 39.8, ભાવનગરમાં 37.6, ભુજમાં 41.ર, ડિસામાં 39.ર, સુરતમાં 39.8 તથા દિવમાં 3પ, દમણમાં 3પ.ર, કંડલામાં 36.9 અને વેરાવળ ખાતે 31.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
જ્યારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો બે ડિગ્રી ઊંચકાઈ ને 37 ડિગ્રી પહોંચી ગયો હતો.જેના લીધે લોકોએ ઉનાળાની ગરમીનો અનુભવો કર્યો હતો.જ્યારે લઘુતમ તાપમાનનો પારો સતત ચોથા દિવસે 24.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે.તો પવનની ગતિ પ્રતિકલાક બે કિમી વધીને 9.6 કિમી રહી છે.અને શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે.
દરમ્યાન હવામાન વિભાગ અનુસાર, આજે 24 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે નાગરિકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે. ગઇકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે ખાસ કરીને 24 અને 25 એપ્રિલ, 2026 ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.

અમરેલીમાં સીઝનનું સૌથી વધુ તાપમાન પ્રથમ વખત તાપમાન 43.3 ડિગ્રી
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે વાતાવરણ પણ ગરમ થતું હોય તેમ ચાલું ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43-3 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો વૈશાખ મહિનાની બપોરનાં આકરા તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિત કંઈક અલગ છે. અહીં શિયાળામાં સૌથી વધુ ઠંડી પડે છે. અને તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું પહોંચી જાય છે. ત્યારે ઉનાળામાં સૌથી વધુ ગરમી જોવા મળે છે. અને તાપમાન 44 ડિગ્રીથી પણ વધી જાય છે. અમરેલી શહેરમાં આજે બપોરનાં ચાલું ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43-3 ડિગ્રી સુધી પહોંચી જતાં આજે લોકો કામ વગર ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં શહેરની મુખ્ય બઝાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતાં. જ્યારે બપોરનાં સમયે મુખ્ય બઝાર ક્રિકેટનાં મેદાનસમા ભાસતાં હતાં. અમરેલી જિલ્લામાં ગઈકાલે 42-5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેરમાં નોંધાયા બાદ આજે ગઈકાલ કરતાં પણ વધુ તાપમાન ઉંચુ થઈ ચાલું ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43-3 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આજે અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા છે. આવતીકાલે બપોરથી ચૂંટણી તંત્ર દ્વારા 9 હજાર લોકોને મતદાન મથકો ઉપર રવાના કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અને રવિવારે દિવસ દરમિયાન મતદાન યોજાશે. ત્યારે આવા આકરા તાપમાનમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવાં પડશે.