Jai Hind

તેરા તુજકો અર્પણ: સિહોરની ધ્રુપકા શાળાના શિક્ષકે પોતાના પગારની 30 ટકા રકમ બાળકો માટે ખર્ચી

બાળકોને જમાડવા, પ્રવાસે લઈ જવા, પુસ્તકો, નોટબુક અપાવવા, ફી ભરવા સહિતના ખર્ચ માટે શિક્ષકે રૂ.3,65,898નું અનુદાન આપ્યું

અત્યાર નો યુગએ હરીફાઇનો યુગ છે. અને હરીફાઇના આ યુગમાં ટકવા માટે દરેક વ્યક્તિએ પોત-પોતાની રીતે સંઘર્ષ કરવો જ પડે છે.એમાં ઊંડાણના ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક શાળાના બાળકોને સમાન સ્તરે લાવવા પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક બંનેની ભૂમિકા મહત્વની હોય છે.સિહોર તાલુકાની ધ્રુપકા શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ શાળાના આચાર્ય અકબરભાઇ બાબીના માર્ગદર્શન મુજબ આવી જ એક ભૂમિકા અને બાળકો માટે મહત્વનો રોલ અદા કરી રહ્યા છે. લગભગ દરેક ધર્મોમાં એવું કહેવાયું છે કે માણસે પોતાની આવકનો દસમો ભાગ શુભ કાર્યો માટે વાપરવો જોઇએ. આ જ ઉદ્દેશ્ય સાથે હિંમતભાઇ રાઠોડ અનેરું અને અન્ય માટે પ્રેરણાદાયી કાર્યો કરી રહ્યા છે.ગત વરસે હિંમતભાઇએ અનુદાન આપેલ. જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ:2025-26માં હિંમતભાઇએ પોતાના ા પગારમાંથી શાળાના બાળકો તેમજ શાળાને રૂ.3,65,898/- નું અનુદાન આપેલ.આ રકમ તેમના પગારની કુલ રકમના 30 ટકા જેટલી થાય છે.જેમાં ધ્રુપકા શાળા ઉપરાંત ક્ધયા વિદ્યાલય વળાવડ અને સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ સ્કૂલની દીકરીઓને ફોલ્ડર ફાઇલ, જન્મ દિવસે મનપસંદ પુસ્તકો, નવરાત્રિમાં પાઉંભાજીનું ભોજન, પ્રવાસ ફીનો પણ સમાવેશ થાય.આ રકમ તેઓએ બાળકોને જ્ઞાનસાધનાની અને એન.એમ.એમ.એસ.ની બુકો અપાવવા, શાળામાં મહત્તમ દિવસો હાજર રહેવા બદલ ફોલ્ડર ફાઇલ આપવા, બાળકોને તેમના જન્મ દિવસે તેમની જ પસંદગીના પુસ્તકો પ્રદાન કરવા, ગામડેથી સિહોર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જનાર શાળાના બાળકોને રેસ્ટોરેન્ટમાં જમાડવા, અર્થગ્રહણના ફકરા લેખનના સ્પાઇરલ, ગુજરાતી 108 શબ્દો અને ઇંગ્લિશ 108 શબ્દો લેમીનેશન સાથેના કાર્ડ આપવા, ઉચ્ચ અભ્યાસ માટે જનાર બાળકોને આર્થિક સહાય કરવા, ધ્રુપકા શાળાના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે એક સાઇકલ તરતી મૂકી, વાસરિકા લેખન માટે બુકો લાવવા, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરોની પ્રિન્ટો કાઢવા માટેના ઉત્તમ કવોલિટીના કાગળો માટે,સમયાંતરે બાળકોને મનપસંદ ભોજન કરાવવા માટે, પ્રવાસમાં શાળાની એકાદ બે દીકરીઓની ફી ભરવા માટે, પાંચ વિદ્યાર્થીઓને અખબાર બંધાવી આપવા માટે ,સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો લખવા માટે બુકો, પેન, પેન્સિલ, સ્ટીલની માપપટ્ટી માટે, વિવિધ નકશાઓ, ડાયરી, પોતાને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરી અપાયેલ ધનરાશિ આ બધું શાળા અને બાળકોને હોંશભેર પ્રદાન કરવામાં આવેલ. આ વરસે તેઓને મળેલ ચિત્રકૂટ ઍવોર્ડની પચીસ હજારની ધનરાશિ અને પારિજાત ઍવોર્ડની ધનરાશિમાંથી તેઓ શાળાની ભૌતિક સુવિધામાં વધારો તે માટે વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અર્પણ કરેલ. હિંમતભાઇ રવિવાર કે અન્ય જાહેર રજાઓ અને વેકેશન પણ ભોગવતા નથી. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. સિહોર પંથક અને શિક્ષણ જગતમાં અત્યારે હિંમતભાઇની આ કામગીરીની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે. અને આગામી ઉનાળુ વેકેશન-2026માં પણ કેવી-કેવી પ્રવૃતિઓ કરાવવી એનું હિંમતભાઇએ અત્યારથી જ આયોજન કરી નાખ્યું છે.