Jai Hind

ગોસાબારા RDX લેન્ડીંગ કેસમાં દાઉદના કથિત 10 સાગરીતને પ વર્ષ, બેને 7 વર્ષની કેદ

બાબરી મસ્જીદ ઘ્વંશ બાદ ગુજરાતભરમાં ફાટી નિકળેલા કોમી રમખાણમાં પાકિસ્તાનના કરાંચીથી આવેલા વિસ્ફોટકો પોરબંદર-વેરાવળ દરીયા કાંઠે ઉતર્યા હતા: જામનગરની કોર્ટમાં 46 આરોપી સામે કેસ ચાલ્યો: 11 આરોપીના અવસાન થયા: ર9 સામે કોર્ટમાં કેસ ચાલ્યો

પોરબંદરના ગોસાબારા માં વર્ષ 1993માં આરડીએક્સ તેમજ હથિયારોનો જથ્થો લેન્ડીંગ કરવામાં આવ્યો હતો. જે અંગે જામનગર ના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 46 આરોપીઓ સામે ગુનો નોંધાયા પાછી ચાર્જશીટ થયું હતું. જેમાંથી 11 આરોપીના અવસાન થયા હતા, 6 આરોપી ડિસ્ચાર્જ થયા હતા, બાકીના ર9 આરોપી સામેનો કેસ જામનગરની ખાસ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાંથી 12 આરોપી ને આજે સ્પે. ટાડા કોર્ટે 10 ને પાંચ વર્ષ ની અને બે આરોપી ને સાત વર્ષ ની સજા કરી છે.
વર્ષ 1992 ની છ ડિસેમ્બર ના દિને બાબરી મસ્જિદના ધ્વંશ પછી દેશમાં કોમી રમખાણ મચાવવા જે તે વખતે દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ, ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ સહિતના શખ્સોએ વિસ્ફોટક પદાર્થ, બોમ્બ, હથિયારનો જથ્થો ભારતમાં ઘૂસાડવા માટે જામનગરના બેડીના હારૂન આદમ સંઘાર, કચ્છ ના સલાયા-માંડવીમાં રહેતા ઓસમાણ ઉમર કારેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ સાથે મળી વર્ષ 1993માં સદા-અલ-બહાર નામની મુસ્તુફા મજનુની માલિકીની બોટ રવાના કરી હતી. તે બોટ લઈને ગયેલા શખ્સોએ પાકિસ્તાનના કરાચી નજીકથી આરડીએક્ષ સ્ફોટક પદાર્થ, 150 જેટલા હથિયાર, બોમ્બ વગેરે મેળવી આ બોટ ઉપરોક્ત ચીજવસ્તુઓ મૂકી દેવા નીકળી હતી. તે પછી મુસ્તુફા મજનુની સૂચનાથી સદા-અલ-બહાર માં પોરબંદર-વેરાવળના દરિયાકાંઠા પાસે પહોંચતા કિનારે લાંગરી દેવાઈ હતી. ત્યાં મહંમદ કાલીયો, જુનુસ લોટો, મમુમિંયા પંજુમિંયા સહિતના શખ્સો હોડકામાં આવ્યા હતા અને તેઓએ ગોસાબારાના પુલ પાસે વિસ્ફોટક તથા હથિયારનું લેન્ડીંગ કર્યું હતું.
આ પછી આ પદાર્થો ટ્રક મારફતે સુરત, વલસાડ, ઉત્તરપ્રદેશ તરફ લઈ જવાયા હતા. આ બાબતની વર્ષ 1993 માં જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી . અને ટાડા એક્ટની કલમ તેમજ અન્ય કલમો અને આર્મ્સ એક્ટ તથા એક્સપ્લોઝી એક્ટ, એક્સપ્લોટી સબસ્ટન્સીઝ એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફામજમુ, મમુમિંયા પંજુમિંયા, ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારૂન આમદ સંઘાર, મહંમદ કાલીયો, જુનુસ લોટો, જુનુસ ચીકના, અનવર ખાંભા સહિત ના 10 શખ્સના નામ અપાયા હતા.
ત્યારપછી આ ગુન્હામાં શરૂ થયેલી તપાસમાં 46 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને દાઉદ ઈબ્રાહીમ સહિતના 1પ આરોપી અન્ય દેશમાં ભાગી જતા પકડી શકાયા ન હતા. આ શખ્સોને ભાગેડુ જાહેર કરાયા છે. વર્ષ 2018 સુધી ચાલેલી તપાસમાં સરકારે આ કેસમાં સ્પે. પીપી તરીકે રાજકોટ ના તુષાર ગોકાણી ની નિમણૂક કરી હતી.
24 વર્ષ સુધી ચાલેલી તપાસમાં 46 આરોપી સામે અલગ અલગ ચાર્જશીટ કરાયા હતા. જેમાંથી 11 આરોપીના અવસાન થયા હતા અને 6 આરોપીને સુપ્રિમ કોર્ટના હુકમના આધારે ડિસ્ચાર્જ કરાયા હતા, બાકીના ર9 આરોપી સામેનો કેસ જામનગર સ્થિત ખાસ ડેઝીગ્નેટેડ કોર્ટમાં ચાલ્યો હતો. વર્ષ 2019 માં સાત આરોપી સામે ચાર્જશીટ થયું હતું.
આમ 33 વર્ષ પહેલાં નોંધાયેલા આ ગુન્હાની ચાલી ગયેલી ટ્રાયલ દરમિયાન જીવિત મળી આવેલા સાહેદોમાંથી 63 સાહેદની જુબાની પ્રોસીક્યુશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં તમામ સાહેદોએ એક જ સૂરમાં પ્રોસક્યુશનના કેસને સમર્થન આપ્યું હતું. તે ઉપરાંત સ્પે. પીપી તુષાર ગોકાણી ની સાથે સહયોગમાં રહેલા જામનગરના ડીજીપી જમન ભંડેરી સહિતનાઓ એ દલીલો કરી હતી. તે દલીલોના અંતે 1ર શખ્સને આતંકી ઠરાવવામાં આવ્યા છે. આ તમામ દોષિતમાંથી 10 આરોપી ને પાંચ-પાંચ વર્ષની કેદ તથા રૂ.પ-પ હજારનો દંડ ફટકાર્યો છે અને બે આરોપીને સાત-સાત વર્ષની કેદ અને રૂ.8-8 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ઓસમાન ઉમર કોરેજા , મામદ મમદો, હારુંન મામાદ સંઘાર , અહેમદ ઇસ્માઈલ ઓડિયા , આરીફ અબ્દુલ ,ઇફ્તાર અન્સારી , મામદ અન્સારી, લખમણ વસરા સલીમ કુત્તા , મમ્મી આ પંજો મિયા ઈસ્માઈલ અન્સારી કાદીમ અન્સારી ની સજા કરવા માં આવી છે.
33 વર્ષ પહેલાં નોંધાયેલા ટોડા હેઠળના આ કેસની જે તે વખતે નિવૃત્ત આઈપીએસ પી.કે. ઝા, સતિષ વર્મા અને મનોજ શશીધર ( હાલ ના સીબીઆઈ સ્પે.ડિરેક્ટર) દ્વારા તપાસ કરવામાં આવી હતી. 24 વર્ષ સુધી ચાલેલી તપાસમાં એકે સિરીઝની રાઈફલો, હેન્ડ ગ્રેનેડ, કારતૂસ મળી આવ્યા હતા. તે ઉપરાંત આરીફ અબ્દુલ ઉર્ફે આરીફ મોટાની મારૂતી વેન, લાલા શેખ નામના શખ્સનો ટ્રક, લખમણ હરદાસ વાસરા ની એમ્બેસેડર મોટર સહિતનો મુદ્દામાલ જે તે વખતે કબજે કરવામાં આવ્યો હતો. આ ગુન્હામાં હજુ દાઉદ ઈબ્રાહીમ, મહંમદ આમદ ડોસા સહિતના આરોપીઓને પકડવાના બાકી છે. આ શખ્સોને ભાગેડુ જાહેર કરાયા હતા.