કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો : જામકંડોરણા, ગીર સોમનાથ, ગીરગઢડા, અંજાર, કચ્છ, જેતપુર પંથકમાં હળવા ઝાપટા વરસ્યા : અનિડા વેજા ગામે વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો : રાજકોટ 42.3 ડિગ્રી સાથે ફરી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું : કંડલા-સુરેન્દ્રનગરમાં 41 અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગોંડલ પંથકમાં અડધો ઈંચ સુધીનો તથા ધારી-ખાંભા પંથકમાં ગાજવીજ સાથે અને તુલશીશ્યામમાં અડધી કલાકમાં પોણો ઈંચ માવઠું વરસ્યું હતું. જેતપુરના મેવાસા ગામે સાંજે ગાજવીજ સાથે માવઠુ વરસ્યુ હતું. જામકંડોરણા, ગીર સોમનાથ, ગીરગઢડા, પંથકમાં માવઠુ વરસતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટ 42.3 ડિગ્રીએ રાજ્યનું ગરમ શહેર બન્યું હતું.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાના છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠુ ખાબક્યું છે. રાજકોટ ગ્રામ્ય, અમરેલીના ગીર પંથકમાં તોફાની પવન સાથે હળવા ઝાપટાથી પોણો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે પડેલા માવઠાએ ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે.
રાજકોટના ગોંડલ, લોધીકા, પડધરી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેતપુરના પીઠડિયા અને મેવાસા ગામે સાંજના સમયે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક માવઠું વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત જામકંડોરણાના ચરેલ અને ખજુરડા ગામમાં તથા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પારેવા, ખાખરાળી ગામમાં અને ભૂજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ માવઠુ વરસ્યું હતું. માવઠા વચ્ચે રાજકોટ 42.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને કંડલામાં 41 ડિગ્રી અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગોંડલ
માવઠાં ની આગાહી વચ્ચે ગોંડલ માં ભર બપોરે વરસાદી માહોલ સર્જાયો હતો.ગોંડલ માં હળવા જાપટા વરસ્યા હતાં.જ્યારે તાલુકા નાં દાળીયા,કોલીથડ, અનિડા,ડૈયા, ઉમવાડા વિસ્તાર માં ભારે પવન ફુંકાવા ની સાથે જાપટા થી લઈ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ગોંડલ પંથક માં બદલાયેલાં વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો.ભારે પવન ફુંકાતા અનીડા વેજાગામ વચ્ચે વૃક્ષ ની તોતિંગ ડાળીયો રોડ પર ધરાશઇ થતા માર્ગ અવરોધાયો હતો.લુણીવાવ નાં પાટીયા પાસે વૃક્ષ ધરાશઇ થયા હતાં.
અમરેલી
અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ધારી તથા ખાંભા પંથકમાં કેટલાંક દિવસથી કરવામાં આવેલી આગાહી મુજબ કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં ધારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોને રાહત મળી હતી. જ્યારે ધારી ગીરના અમુક ગામોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ખાંભા ગીર પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ગીરના ગામડાઓમાં પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે ધમાકેદાર હાજરી નોંધાવી હતી. ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા અને ચતુરી ગામોમાં વરસાદ નોંધાયો હતો. ભર ઉનાળામાં અચાનક વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની ભીતિ ઉભી થઈ છે. ધારી ગીર અને ખાંભા ગીરના વિસ્તારોમાં એક સાથે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકો માટે આ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત આપનારી છે. જ્યારે સાથે ચિંતા પણ લઈને વરસાદ આવ્યો છે.
રાજુલા
તુલસીશ્યામ મંગળવારે4 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ શરૂ રહેતા પોણો એ જેટલો વરસાદ પડ્યો હોવાનું તુલસીશ્યામ ટ્રસ્ટના મેનેજર ચિરાગભાઈ ગોંડલીયા દ્વારા જણાવ્યું છે હજી પણ વરસાદ ધીમીધારે સારું છે આ વરસાદથી વૃક્ષો હવે લીલા નાગેર જેવા થઈ જશે તેમજ ઘણા સમયથી બહુ તડકો પડતો હતો જેને કારણે આજે વરસાદ થતાં વાતાવરણ ખૂબ જ ઠંડી થઈ ગયું છે.